ગુજરાત રાજ્યમાં રખડતાં ઢોરનો કાયદો રદ્દ કરવા સહિતની માંગણીઓને લઈ માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. જયારે રવિવારે ગાંધીનગર જીલ્લાના શેરથા ગામમાં યોજાયેલા માલધારીઓના સંમેલનમાં 21મી સપ્ટેમ્બરના રોજ દૂધ હડતાલ જાહેર કરવામાં આવી હતી. ત્યારે પાટણ જીલ્લામાં માલધારી સમાજને અન્ય સમાજનું સમર્થન પણ મળ્યું છે. પાટણ જીલ્લામાં પટેલ, ઠાકોર, પ્રજાપતિ સહિતના સમાજે માલધારીઓના સમર્થનમાં 21મી સપ્ટેમ્બરે દૂધ ન આપવાનો નિર્ણય કર્યો હતો, અને આજે પાટણ શહેરનાં જલારામ ચોક ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર તેમજ પશુ નિયંત્રણનો કાયદો પારીત થતા જ માલધારી સમાજ સહિત દૂધના વારા ભરતા યુવાનોએ આ કાયદો પરત લેવાની માંગ કરી હતી. આ માંગના કારણે માલધારી સમાજના આગેવાનો દ્વારા ઠેર-ઠેર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ગઈ 31મી માર્ચના દિવસે ગુજરાત રાજ્યની વિધાનસભામાં પારીત થયેલો રખડતા ઢોર અને પશુ નિયંત્રણ કાયદાને લઈને હવે વ્યાપક પણે વિરોધના સૂર સામે આવી રહ્યા છે. આ કાયદો માલધારીઓના હિતમાં નહીં હોવાનું જણાવ્યું હતું. રાજ્યની સરકારે પારીત કરેલો આ રખડતા ઢોર અને પશુ નિયંત્રણ કરતો કાયદો કાળો કાયદો ગણાવી કાયદો પરત લેવામાં આવે તેવી માલધારી સમાજે તેમજ ગૌ-પ્રેમીઓ દ્વારા માંગ કરવમાં આવી છે.
તેમજ જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં માલધારી સમાજ સરકારને સબક શીખવાડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે પાટણ શહેરમાં આજુબાજુના ગામોમાંથી દૂધના વારા ભરવા આવતા માલધારી, ભરવાડ, પટેલ, ઠાકોર, પ્રજાપતિ સમાજના યુવાનોએ આ કાળા કાયદાના વિરોધમાં પાટણ શહેરમાં દૂધ ન આપવાનો નિર્ણય કરી પાટણ શહેરમાં આવેલા જલારામ ચોક ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, તેમજ રખડતા ઢોર અને પશુ નિયંત્રણ કરતો કાયદો કાળો કાયદો ગણાવી તેનો વિરોધ દર્શાવવામાં આવ્યા હતો.
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ