જોટાણા તાલુકામાં આવેલા કસલપુરા ગામ પાસે આવેલ ઓ.એન.જી.સી. ના વેલ નં-૩૭૭માં ઝેરી ગેસ સતત લીકેજ થઈ રહ્યો છે. જેના કારણે ત્યાં રહેતા લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. આ લીકેજની સમસ્યા છેલ્લા સાત દિવસથી થઈ છે, તો પણ આ સમસ્યાનો અંત હજુ સુધી આવ્યો નથી. જેના કારણે ગ્રામજનોને તકલીફ પડી રહી છે.
આ ઝેરી ગેસના લીકેજની સમસ્યા તારીખ ૨૯/૦૯/૨૦૨૨ના રોજ મધરાત્રે જોટાણા તાલુકાના કસલપુરા ગામની સીમમાં આવેલા ઓ.એન.જી.સી.ના વેલ નં-૩૭૭માં જોરદાર ધડાકા સાથે ઝેરી ગેસ લીકેજની ઘટના બની હતી. જેના કારણે કસલપુરા ગ્રામજનોને સતત ઝેરી ગેસના લીકેજથી સ્વાસ્થ્યની તકલીફો થઈ ગઈ હતી. આ ગામનાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમજ ઝેરી ગેસના કારણે ગળા તથા આંખોમાં સતત બળતરાં પણ થઈ ગયેલ છે. તેમજ માથુ દુખવું, ઓમેટ, ઉધરસ, છીંકો આવવી વગેરે ઘટનાઓ સતત વધી રહી છે. જેનાં કારણે આસપાસ આવેલા ગામ ના લોકોને પણ આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ ઘટનાનાં કારણે ગ્રામજનો તેમજ આજબાજુના ગામના લોકો ખૂબ જ ડરી ગયા છે. આ વિપદાના કારણે ગામના લોકો પોતાનું વતન તેમજ ધંધો-રોજગાર છોડીને બીજે સ્થળાંતર કરવા માટે મજબૂર થઈ ગયા છે. આ ઝેરી ગેસ લીકેજના કારણે ગામનાં ૧૦૦ થી પણ વધુ પરિવાર સ્થળાંતર કરી ચુક્યા છે. અને હજુ પણ ઘણાં બધાં પરિવારોનું સ્થળાંતર કરવાનું ચાલું જ છે. તેમજ સ્થળાંતર કરવાના કારણે કેટલાંય પરિવારોનો રોજગાર પડી ભાંગ્યો છે. આ ઘટનાના કારણે ગામના લોકોને શારીરિક, માનસિક તેમજ આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં પણ હજુ સુધી આ સમસ્યાનો અંત આવ્યો નથી.
રિપોર્ટર – કિરણ પટેલ