રાજકોટ શહેરના સોની બજાર મેઈન રોડ પર પીપળાવાળી શેરીનાં નાકા પાસે આવેલ કેશવ જ્વેલર્સનો ભાગીદાર નામે રાજન મનુભાઈ ઠુમ્મર દુકાનમાંથી 50 લાખનું સોનુ અને 2 લાખ રોકડા લઈને ભાગી જતાં તેના વિરૂધ્ધ રાજકોટના એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જો કે, ઘરેથી તે નહી મળતા તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગુંદાવાડી શેરી નંબર-૨૬માં રહેતા નામે મિતેશભાઈ ચંદ્રકાન્ત પાટડીયા એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯ની સાલમાં તેણે પોતાના ૧૫ વર્ષ જુના મિત્ર રાજન સાથે કેશવ જ્વેલર્સ નામની પેઢી શરૂ કરી હતી, અને ૨૦૨૧માં ભાગીદારી ડીડ કરાવી હતી. જયારે તેની પેઢીમાં નવ માણસો સોની કામ કરે છે. મુખ્યત્વે વેપારીઓનાં ઓર્ડર પરથી દાગીના બનાવવાનું કામ તેની પેઢી કરે છે. વેપારીઓ ઓર્ડર માટે જે ફાઈન સોનુ આપતા હતા તે અને હિસાબનાં રૂપીયા પેઢીમાં આવેલી તીજોરીમાં રાખતા હતાં. તે તીજોરીનું લોક ખોલવા માટે એક નંબર રાખ્યો હતો, જે નંબર તે, ભાગીદાર રાજન અને પેઢીમાં છેલ્લા વીસ વર્ષથી કામ કરતો નામે રાજેશ જયસુખ વાઘેલા એમ ત્રણ જણા જ જાણતા હતા.
ગઈ તારીખ 13મીનાં રોજ રાત્રે તેણે પેઢી બંધ કરી હતી. તે વખતે કારીગરને દાગીના બનાવવા માટે આપેલ ફાઈન સોનુ અને પેઢીનાં સ્ટોકમાં રહેલ ફાઈન સોનુ ઉપરાંત હિસાબનાં રૂપીયા પેઢીની તીજોરીમાં રાખ્યા હતાં. બીજે દિવસે સવારે 8.30 વાગ્યે ભાગીદાર રાજન સાથે મળી તેણે પેઢી ખોલી હતી. તે વખતે અમુક ફાઈન સોનુ કારીગરોને દાગીના બનાવવા માંટે આપ્યું હતું, અને બાકીનું ૧૧૫૦ ગ્રામ ફાઈન સોનુ અને રૂ. 2 લાખ રોકડા તીજોરીમાં રહેવા દીધા હતાં. તે જ દિવસે બપોરનાં સમયે ભાગીદાર રાજન પોતાની આંખ દુ:ખે છે, હું દવા લેવા જાઉ છું તેમ કહી પેઢીએથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ પોતે પણ ઘરે જમવા માટે ગયા હતાં. ઘરે જમતા હતા તે વખતે પેઢીમાં કામ કરતા રાજેશ ઉર્ફે રાજુએ ફોન કરીને કહ્યું હતું કે, તમે અત્યારે જ પેઢીએ આવી જાઓ. ત્યારે પેઢીએ પહોંચતા રાજેશ ઉર્ફે રાજુએ કહ્યું હતું કે, કારીગરનું કામ થઇ ગયા બાદ વધેલુ ફાઈન સોનુ તે તીજોરીમાં મુકવા જતો હતો ત્યારે જોયું તો તીજોરી ખાલી હતી. અને તીજોરીના લોકનો નંબર તે, ભાગીદાર અને રાજુ ત્રણ જ જણા જાણતા હતાં. જયારે ભાગીદાર રાજન છેલ્લા બે મહિનાથી મોબાઈલ ફોન રાખતો ન હતો. જેથી તેના પિતા મનુભાઈનો સંપર્ક કરતા તેણે પુત્ર રાજન સવારે પેઢીએ જવા ઘરેથી નીકળી ગયા બાદ પરત નહી આવ્યાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે પોતાની રીતે ભાગીદાર રાજનની તપાસ કરી હતી. પરંતુ નહી મળતા આખરે તેના વિરૂધ્ધ ગઈકાલે રાત્રે રાજકોટની એ-ડીવીઝન પોલીસ મથકમાં રૂ. ૫૨ લાખની ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી.
રિપોર્ટર – ઈલા મારૂ