ગુજરાત રાજ્યના માલધારીઓ હાલમાં આક્રમક મૂડમા છે. માલધારીઓએ 11 પડતર માંગણીઓ ઉકેલવાની ચીમકી સાથે ગુજરાતમાં આજે બંધ પાળ્યું છે. 21 સપ્ટેમ્બરે ગુજરાત રાજ્યમાં દૂધ ના ભરાવા માટે હડતાળ જાહેર કરી છે. તેમજ માલધારીઓએ ઉગ્ર નિર્ણય લઈને ડેરીઓમાં આજે દૂધ આપ્યુ નથી. જેથી મંગળવાર રાતથી ગુજરાત રાજ્યમાં દૂધનો સ્ટોક ખૂટી પડ્યો છે. અને અનેક શહેરોમાં દૂધ ખૂટી પડ્યું છે. જયારે સુરત શહેરમાં સ્થિતિ એવી છે કે, સુમુલ ડેરી પર દૂધ લેવા માટે રાતથી જ લાંબી લાઈનો પડી છે. લોકો દૂધ લેવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા હતા. તેમજ ધક્કામુક્કી અને તોફાન ન થાય તે માટે દૂધ પાર્લર બહાર બાઉન્સરો મૂકવા પડ્યા છે. તો રાજકોટમાં દૂધની દુકાનમાં તોડફોડની ઘટના સામે આવી છે. માલધારીઓના દૂધ નહિ ભરાવાના આંદોલનને કારણે આજે સવારથી ગુજરાતીઓ દૂધ શોધતા નજરે પડ્યા હતા. દૂધ કેન્દ્રો તેમજ અમુલ પાર્લર અને કરિયાણાની દુકાનોમાં પણ દૂધ નહીં મળતા લોકો અકળાયા છે. તો અનેક શહેરોમાં માલધારીઓએ દૂધને ડેરી સુધી ન પહોંચાડીને કુતરાઓને પીવડાવું દીધુ છે.
રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી દૂધની દુકાનમાં તોડફોડ કરવમાં આવી છે. અજાણ્યા લોકોએ દુકાનમાં આવીને દૂધ માટે તોડફોડ કરી હતી. જયારે માલધારી સમાજે આજે દૂધ વેચાણ પર મનાઈ ફરમાવી હતી. આ વચ્ચે રાજકોટ ડેરીના આઉટલેટ પર દૂધ વેચવામાં આવી રહ્યું હતું. જેણે કારણે 15 જેટલા અજાણ્યા લોકોએ આવીને દૂધની થેલીઓ દુકાનમાંથી બહાર કાઢી ઢોળી નાંખી હતી. દૂધની થેલીઓમાંથી કેરેટમાં દૂધ એકત્ર કરી અને છાશ પણ નાખી દેતા વેપારીને નુકસાન થયું છે. આ કારણે દૂધની ખરીદી કરવા આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. તો સુરતમાં પણ અસામાજિક તત્વો દ્વારા દૂધ વાહનમાં તોડફોડ કરવામાં આવી છે. સુરતમા સુમુલ ડેરી પર દૂઘ લેવા પડાપડી જોવા મળી હતી. જેથી દૂધ પાર્લરની બહાર બાઉન્સર્સ મૂકવાની જરૂર પડી છે. જયારે સુરતમાં માલધારી સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે, અને તાપી નદીમાં દૂધના કેન ખાલી કરવામાં આવી રહ્યા છે, ડેરીનું દૂધ તાપી નદીમાં ખાલી કરી માલધારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જયારે અડાજણમાં આવેલી સુરભી ડેરી ખાતે ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. તેમજ દૂધ તાપી નદીમાં ઢોળવાને કારણે નદી પણ પ્રદૂષિત થઈ ગઈ હતી.
જયારે અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા એક દિવસ દુધ બંધ પ્રતીક હડતાળના પ્રતીકાત્મક વિરોધ રૂપે જરૂરિયાતવાળા લોકોને તથા શ્વાનને દૂધ પીવડાવી દેવાયું છે. તો વડોદરા માલધારી સમાજનો ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગ સાથે છુટક દુધ વેચાણ દુકાનો બંધ રાખવામાં આવી હતી. વડોદરા શહેરની અંદાજીત ૪ હજાર જેટલી દુકાનો બંધ રાખવામાં આવી છે. એક દુકાનનું 1500 લીટર દૂધનું વેચાણ બંધ રાખવામાં આવ્યું છે. હિંમતનગર શહેરની રાયકનાગર દૂધ મંડળીમાં એક પણ સભાસદ દૂધ ભરાવા માટે આવ્યો ન હતો. માલધારી સમાજની દૂધ ડેરીઓમાં સ્વયંભૂ દૂધ બંધ જોવા મળ્યો હતો. સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં માલધારીઓએ દૂધ ભરાવ્યુ ન હતું. માલધારી સમાજના લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી