કોહલીએ T20 અને ODIની કેપ્ટનશીપને કહી અલવિદા
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કોહલીના રેકોર્ડને તોડવા મુશ્કેલ
રન મશીન કોહલી ટેસ્ટ કેપ્ટન તરીકે હજી યથાવત
હાલના સમયના ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાંથી એક વિરાટ કોહલીએ ભારતીય ટીમની T20 અને ODIની કેપ્ટનશીપને અલવિદા કહી દીધી છે. BCCIએ રોહિત શર્માને વનડે અને T-20ના કેપ્ટન તરીકે જવાબદારી સોંપી છે, જ્યારે વિરાટને ટેસ્ટના કેપ્ટન તરીકે યથવાત રાખ્યો છે. ત્યારે ખેલાડી તરીકે તેના અનેક રેકોર્ડ છે જેને તોડવા અન્ય ખેલાડીઓ માટે અત્યંત મુશ્કેલ રહેશે.

ત્રણેય ફોર્મેટમાં રનના ઢગલા
વિરાટને T20 અને ODIના કેપ્ટન પદેથી હટાવવામાં આવતા તેના ફેન્સ ખુબ જ નિરાશ થયા છે. વિશ્વ આખું વિરાટની પ્રતિભાથી પરિચિત છે અને કોહલીના રેકોર્ડ તેની સાક્ષી પૂરે છે. વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રનના ઢગલા કર્યા છે અને અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે, ત્યારે આજે વિરાટના એવા રેકોર્ડ વિશે તમને જણાવીશું જે તોડવા અત્યંત મુશ્કેલ છે.

T20 ફોર્મેટમાં વિરાટ છે ‘REAL KING’
T20 ક્રિકેટમાં વિરાટના બેટથી રનોના ઢગલા થાય છે. T20 ફોર્મેટમાં 3000 રન બનાવનાર તે પ્રથમ ખેલાડી છે. T20માં 50 થી વધુ એવરેજ ધરાવનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે, સાથે જ સૌથી વધુ 7 વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો ખિતાબ જીતવાનો રેકોર્ડ પણ તેના જ નામે છે. T20 ફોર્મેટમાં કોહલીની બેટિંગ એવરેજ 52.04ની છે.

વનડે ક્રિકેટમાં વિરાટ ‘રન મશીન’
વનડેમાં વિશ્વની કોઈ એક ટીમ સામે સૌથી ઓછી મેચમાં સૌથી વધુ 9 સદીનો રેકોર્ડ વિરાટના નામે છે. ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 12 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ તેના જ નામે છે. કોહલીએ 242 ઈનિંગમાં 12 હજાર રન બનાવ્યા છે. તેના પછી બીજા નંબર પર સચિન તેંડુલકરનું નામ આવે છે. સચિને 300 ઇનિંગ્સમાં 12 હજાર રન બનાવ્યા છે.

IPLમાં 4 શતક, 6 હજારથી વધુ રન
IPLના ઈતિહાસમાં સૌપ્રથમ 5 અને 6 હજાર રન પુરા કરનાર વિરાટ પ્રથમ ક્રિકેટર છે. સાથે જ 6 હજાર રન બનાવનાર તે એકમાત્ર ખેલાડી છે. કોહલીએ IPLમાં કુલ 207 મેચોમાં સૌથી વધુ 6,283 રન બનાવ્યા છે. તેના સિવાય બીજો કોઈ બેટ્સમેન 6 હજારના આંકડાને સ્પર્શી શક્યો નથી. બીજા નંબર પર શિખર ધવન છે જેણે 192 મેચમાં 5784 રન બનાવ્યા છે.