પાટણ શહેરના જલારામ ચોકમાં જેસીબી દ્વારા ગેસની પાઇપ તૂટતાં ફુવારો ઉડ્યો, કર્મચારીઓ માંડ માંડ બચ્યા

Views 319

પાટણ શહેરના સુભાષચોકના ભુગર્ભ ગટરનાં પંપીંગ સ્ટેશન થી લઈને રેલ્વે પંપીંગ સ્ટેશન વચ્ચે અત્યારે પાટણ નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટર દ્વારા રાઇઝિંગ પાઇપ લાઇન નાંખવાની કામગીરી જે.સી.બી. દ્વારા ખાડા ખોદીને કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરી દરમ્યાન પાટણ શહેરનાં જલારામ ચોક અને ધનરત્ન ફલેટની આગળનાં ભાગે જે.સી.બી.નાં કામ કરતી વખતે એકા-એક ખાડો ખોદતી વખતે જમીનની ત્રણ ચાર ફૂટ નીચેથી પસાર થતી પીવાનાં પાણીની અને સાબરમતી ગેસની બંને પાઇપો તુટી ગઇ હતી. ત્યારે પાણીની પાઇપ તૂટતાં ચારે તરફ પાણી ફેલાઈ ગયું હતું. જયારે ગેસની પાઇપ તુટી ત્યારે જે.સી.બી. અને કોન્ટ્રાકટરનાં કર્મચારીઓ ઉપર જમીનમાંથી ગેસનો ફુવારો માટી અને પાણી સાથે ઉડતાં કર્મચારીઓ કાદવથી ખરડાઇ ગયા હતા. સદ્નસીબે આ સમયે અહીં પાણી હોવાથી ગેસમાં આગ લાગી નહોતી. નહિં તો મોટી હોનારત થવાનાં સંજોગો થયા હતા. આ ગેસની પાઇપ-લાઇન તૂટતાં જ સમગ્ર વિસ્તારમાં ગેસનો પુરવઠો ખાલી થઈ ગયો હતો. જેને કારણે લગભગ અડધા પાટણને અસર થઇ હતી. આ અંગેની જાણ ગેસ કંપનીને કરતાં તેનાં કર્મચારીઓએ તરત જ દોડી આવીને ગેસની પાઈપનો નજીકનો વાલ્વ બંધ કરી દીધો હતો. ત્યારબાદ તૂટેલી પાઇપ લાઇનનું સમારકામ હાથ ધરવમાં આવ્યું હતું. આ દરમિયાન અનેક ગૃહિણીઓ માટે આ સમય રસોઇ બનાવવાનો હોવાથી તેઓએ બુમરાડ મચાવી દીધી હતી. ત્યારબાદ આ ગેસ પુરવઠો પુનઃસ્થાપિત થતાં હાશકારો લીધો હતો. આ બનાવની જાણ થતાં જ પાટણ નગરપાલિકાનાં ભૂગર્ભ ગટરનાં હાઇડ્રોલીક-પબ્લીક હેલ્થ એન્જીનીયર અને વોટર વર્કસ વિભાગનાં અધિકારીઓ પણ આવી ગયા હતા.


ગેસની પાઇપલાઇન ભુગર્ભ ગટરની પાઇપની નીચે નંખાયેલી છે, અને તેની ઊંડાઇ પણ ઘણી ઓછી હોવાના કારણે આવી દુર્ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલી છે. દરમ્યાન આ ગેસની પાઇપલાઇનનાં સમારકામ માટે ગેસ કંપનીએ પીવાનાં પાણીની પાઇપ લાઇનમાંથી બહાર નિકળતું પાણી બંધ થાય તેની રાહ જોવી પડી હતી. ત્યારે પાટણ નગરપાલિકાનાં વોટર વર્કસની શાખાએ શહેરનાં ગાંધીબાગ પંપીંગ સ્ટેશનમાંથી વાલ્વ બંધ કરીને પાણી છોડવાનું બંધ કરી દીધું હતું. પરંતુ સમગ્ર વિસ્તારની પાઇપોમાં જે પાણી ભરાયેલું હતું, તે ઘટના સ્થળની પાઇપમાંથી પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોવાથી ગેસ કંપનીનાં કર્મચારીઓને કામગીરી કરવામાં મુશ્કેલી પડી હોવાથી સાંજ સુધી ગેસ પુરવઠો બંધ રહ્યો હતો. ગેસ કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે, અમે હાલમાં કામચલાઉ રીતે બીજી પાઇપ નાંખીને આનંદ સરોવર અને તેની આસપાસની સોસાયટીઓનો પુરવઠો ચાલુ કરી દેવા માટે કામ કરી રહ્યા છીએ. આ પુરવઠો બંધ રહેતાં લગભગ અડધા પાટણનો ગેસનો પુરવઠો બંધ થઇ ગયો હતો. આ દરમિયાન ભુગર્ભ ગટરની પાઇપલાઇન નાંખનારી એજન્સીએ જણાવ્યું હતું કે, આ રાઇઝીંગ પાઇપ નાંખવા માટે જે.સી.બી. દ્વારા પાણી અને ગેસની પાઇપ લાઇન તુટી ગઈ હતી. તો ટેલીફોન કંપનીઓનાં કેબલો પણ તુટી ગયા હતા. જયારે આ કેબલો જમીનથી ત્રણ મીટરની ઊંડાઇએ હોવા જોઇએ તેનાં બદલે દોઢેક મીટરની ઊંડાઇએ જ હતા, જેના કારણે તે તુટી ગયા હતા.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *