અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા નાઈજીરીયન આરોપીને હોસ્પિટલ લઈ જવાયા બાદ તેના પેટમાંથી ૨૧ કેપ્સુલ મળી આવી હતી. જેમાં રૃ. ૬૩,૨૫,૯૫૦ ની કિંમતનો ૪૨૧ ગ્રામ ૭૩૦ મિલી ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો.
દુબઈથી આવેલા નાઈજીરીયન ઝોહુ એલેક્સીસને અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવાયો હતો. બાદમાં તેને તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરે તેને દવા આપતા પ્રથમ તેના પેટમાંથી ઈંડા આકારની ૯ અને બાદમાં ૧૨ કેપ્સુલ કબજે કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં હાજર એફએસએલના અધિકારીઓએ કેપ્સુલની તપાસ કરતા તે નશીલો પદાર્થ કોકેઈન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ ૪૨૧ ગ્રામ ૭૩૦ મિલી ગ્રામ કોકેઈનનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય તેનો પાસપોર્ટ, બોર્ડિંગ પાસ અને મોબાઈલ કબજે કરાયો હતો. હાલમાં આરોપી હોસ્પિટલમાં જ છે અને એક્સ રે મારફતે તેના પેટમાં કોકેઈન ભરેલી કેપ્સુલ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
એસઓજી ક્રાઈમના એસપી બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ આરોપીને કોકેઈનનો જથ્થો દુબઈમાં આપવામાં આવ્યો હતો. બાદમાં તે મુંબઈ જવાનો હતો જ્યાં તેના મોબાઈલ પર મેસેજ મળે તે વ્યક્તિને આ કોકેઈન આપવાનું હતું. આ કામ માટે આરોપી ઝોહુ એલેક્સીસને ચાર લાખ રૃપિયા મળવાના હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નાઈજીરીયનના પેટમાંથી કઢાયેલી ૨૧ કેપ્સુલમાં ૪૨૧ ગ્રામ કોકેઈનનો જથ્થો મળ્યો
Views 75