સામાન્ય ચૂંટણીને હવે 6-7 મહિના જ બચ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે. પોતાના જૂના તમામ રેકોર્ડ્સ તોડીને, નવી શૈલીમાં. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ગયા વર્ષના જૂન મહિનાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દેશભરમાં સ્વીકૃતિ વધારવાની કોશિશ કરી રહ્યા છે. તે હેઠળ સંઘે 7 જૂનના રોજ નાગપુરમાં પોતાના એક કાર્યક્રમમાં વિપરીત વિચારધારા સાથે જોડાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ એક કાર્યક્રમમાં સંઘે રતન ટાટાને પણ આમંત્રિત કર્યા. તાજેતરમાં જ દિલ્હીમાં ‘ભવિષ્યનું ભારત અને આરએસએસનો દ્રષ્ટિકોણ’ કાર્યક્રમ રાખ્યો. તેમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જીને આમંત્રણ આપવામાં આવ્યું. જોકે તેઓ ગયા નહીં.
સંઘે શક્યતઃ પહેલીવાર દિલ્હીની બહાર આ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં સામાન્ય લોકોને સવાલ કરવાનો મોકો પણ આપવામાં આવ્યો. સંવેદનશીલ માનવામાં આવતા મુદ્દાઓ પર પણ ભાગવતે જવાબ આપ્યા. માનવામાં આવી રહ્યું છે કે આરએસએસ તે તમામને સાથે જોડવા માંગે છે જેઓ સંઘની કટ્ટરપંથી ઇમેજ હોવાને કારણે તેનાથી દૂર રહે છે. અત્યાર સુધી ફક્ત નાગપુરથી નિવેદન આવતા હતા. હવે સંઘ દેશભરમાં કાર્યક્રમ કરવા લાગ્યો છે. દિલ્હીમાં થયેલા સંમેલનમાં ભાગવતે આ વાતને તદ્દન નકારી કાઢી કે સંઘ ભાજપનું રિમોટ કંટ્રોલ છે અને તે તેના માટે કામ કરે છે. જોકે આ કોઈ નવી વાત નથી. આ પહેલાના સરસંઘચાલક પણ આ બધું કહેતા હતા અને બીજી બાજુ દખલ પણ કરતા હતા.
ભાગવત: “હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે તેમાં મુસ્લિમ નહીં રહે. જે દિવસે એવું કહેવામાં આવશે તે દિવસે હિંદુત્વ નહીં રહે. હિંદુત્વ વસુધૈવ કુટુમ્બકમની વાત કરે છે.”
મહત્વ: 72 લોકસભા સીટ્સ પર મુસ્લિમોની સીધી અસર છે. એટલે ભાગવત એ ધારણા તોડવા માંગે છે કે સંઘ ફક્ત હિંદુઓની વાત કરે છે અને તેની સંકલ્પનાના હિંદુ રાષ્ટ્રમાં મુસ્લિમો માટે કોઈ સ્થાન નથી. ડિસેમ્બર 2017 સુધીમાં ભાગવતની લાઇન એવી હતી કે ભારતમાં રહેતા તમામ મુસ્લિમ મૂળરૂપે હિંદુ છે. હવે આની જગ્યાએ તેઓ હિંદુત્વ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સંપૂર્ણ રીતે સક્રિય,ચૂંટણીને હવે 6-7 મહિના
Views 59