સૌરાષ્ટ્રમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઇદ – ઉલ – અઝહા એટલે કે બકરી ઇદની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇદની ખાસ નમાઝ અદા કરીને સુખ, શાંતિ, સમૃધ્ધિની દુઆ મંગાઇ હતી. ઠેર – ઠેર હિન્દુ સમાજ પણ ઇદની ઉજાણીમાં જોડાતા અનેરો કોમી એખલાસનો માહોલ છવાયો હતો.
ઇસ્લામી પંચાગના ૧૨મા મહિના જીલ હજ્જની આજે ૧૦મી તારીખે પરંપરાગત રીતે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં આજે સવારે ચાર ઇદગાહ, એક મદ્રેસા અને ૩૨ મસ્જિદ મળીને ૩૭ જેટલા સ્થળોએ ઇદની વિશેષ નમાજ પઢવામાં આવી હતી. બાદમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેંટીને ઇદની મુબારક બાકી પાઠવી હતી.
જામનગર શહેરમાં આજે સર્વે મુસ્લીમ બિરાદરો દ્વારા ઇદુલ અઝહા (બકરી ઇદની) ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરીમાં ૪૯માં આવેલી ઇદગાહ મસ્જિદમાં હઝરત મૌલાના સીલેમાન બરકતી સાહેબે ઇદગાહ પર ઇદની નમાઝ પાઠવી હતી. ત્યાર પછી સર્વે મુસ્લીમ બીરાદરોએ ઇદ મુબારક પાઠવી હતી. આ વેળાએ અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી હતી.
પોરબંદરમાં ઇદુલ અઝહાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયેલા હતા. ઇદગાહ ખાતે યોજાયેલ ઇદ મિલન સમારોહમાં ભા.જ.પ. અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇદની મુબારકબાદી પાઠવી હતી. સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા યોજવામાં આવેલ ઇદ મિલન સમારોહમાં કોમી એકતાનાં દર્શન થયા હતા.
જામકંડોરણામાં આજે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઇદની ઉજવણી કરવામાં આવી હતી. આ ઇદના પ્રસંગે મોટાપીરની દરગાહથી ઇદ મસ્જિદ સુધી તાલુકાભરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ કાઢવામાં આવેલું તેમજ સમુહ નમાઝ પઢી એકબીજાને ઇદ મુબારક પાઠવી હતી. આ ઇદના પ્રસંગે જામકંડોરણા સમસ્ત મુસ્લિમ જમાતના પ્રમુખ સહિતના જમાતના તાલુકા ભરના મુસ્લિમ બિરાદરોએ સમુહ નમાઝ અદા કરી હતી.
જૂનાગઢમા આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. સવારે મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરી એક બીજાને ઇદની મુબારક બાદ આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં મુસ્લિમ દ્વારા 'ઇદ – ઉલ – અઝહા'ની ભાવભેર ઉજવણી
Views 67