આગામી ડીસેમ્બર સુધીમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક વચ્ચે દોડનારી મેટ્રો રેલના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ જશે. જેને પગલે જાન્યુઆરી ૨૦૧૯થી અમદાવાદમાં પ્રથમ વખત જ મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે, એવી જાહેરાત વિજય રૃપાણીએ કરી છે. તેઓએ બુધવારે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી છે તેવા સરસપુર – કાલુપુર વિસ્તારમાં મેટ્રો રેલ સાઇટની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ મેટ્રો ટ્રેનની કામગીરી કરી રહેલા ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતો પણ મેળવી હતી. તેમજ આગામી ડીસેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાની તમામ કામગીરી પૂર્ણ કરી હોવાનો આદેશ આપ્યો છે. તેઓએ કહ્યું કે પ્રથમ ફેઝ ૪૦ કિ.મી.નો છે. જેમાં ૩૩.૫ કિ.મી. એલિવેટેડ એટલે કે ઓવરબ્રિજ છે. જ્યારે ૬.૫૦ કિ.મી.નો રૃટ અન્ડર ગ્રાઉન્ડ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રથમ તબક્કાનાં આ રૃટ પર કુલ ૩૨ સ્ટેશનો આવશે. અમદાવાદની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મેટ્રો ટ્રેન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રોજેક્ટ પાછળ ૧૦૭૦૦ કરોડનો ખર્ચ થશે. જેમાં જાયકાએ ૬૦૦૦ કરોડની લોન આપી છે. આ રૃટ પર ૧૦ જેટલા રક્ષિત સ્મારકો આવે છે. તેની જાળવણી સાથે આ પ્રોજેક્ટને આગળ વધારવા કેન્દ્રની મંજૂરી મળી ગઇ છે.
ભવિષ્યમાં કાલુપુર રેલવે સ્ટેશનનો મલ્ટીપર્પઝ ઉપયોગ કરાશે. અહીં થ્રી લેયર ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રો ટ્રેન, રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન આ ત્રણેય પ્રકારની ટ્રેનો માટે મુસાફરો સ્ટેશનનો ઉપયોગ કરી શકશે. મુખ્યમંત્રીએ બુલેટ ટ્રેન સાથેના સૂચિત સંકલનની પણ માહિતી મેળવી હતી. આ વિસ્તારના આંતરમાળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો હાથ ધરવા માટે સત્તાધિકારીઓને સૂચનો કર્યા હતા.
રેલવે સ્ટેશન બિલ્ડિંગની સામે ટનલ બોરીંગ મશીનના લોન્ચીંગ શાફટનું નિરિક્ષણ કર્યું હતું. અંડરગ્રાઉન્ડની સાથે સાથે એલિવેટેડ કોરીડોર સહિત સમગ્ર પ્રોજેક્ટમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. હાલમાં ટ્રેક, ડબ્બાઓ, સ્ટેશનો બનાવવા સહિતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. જ્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરીટી રુટ પર વાયા ડકટની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.
જાન્યુઆરીથી અમદાવાદમાં મેટ્રો દોડવા માંડશે
Views 63