ભારતે આજે ઔપચારિકતા પુરી કરતા જીતવા માટેની ઇંગ્લેન્ડની આખરી વિકેટ તરત જ ૧૭ બોલની રમત બાદ જ ઝડપી લેતા ત્રીજી ટેસ્ટમાં ૨૦૩ રનથી વિજય મેળવ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટની શ્રેણીમાં હજુ ૨-૧ની સરસાઈ ધરાવે છે. પણ ભારતે આ જીત સાથે શ્રેણી જીવંત રાખી છે.
ભારતે ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ જીતવા માટે ૫૨૧ રનનો જંગી પડકાર આપ્યો હતો પણ ઇંગ્લેન્ડ ૩૧૭ રનમાં જ આખરી દિવસે ઓલઆઉટ થઈ ગયું હતું. ચોથા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર ૯ વિકેટે ૩૧૧ રન હતો. અશ્વિને આજે આખરી બેટસમેન એન્ડરસન સ્લિપમાં રહાનેના હાથે ઝડપાવતા ભારતીય ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા.
કોહલીએ પ્રથમ ઇનિંગમાં ૯૭ અને બીજી ઇનિંગમાં ૧૦૩ રનની યાદગાર ઇનિંગ સાથે શ્રેણીની બીજી સદી ફટકારી હતી. હાર્દિક પંડયાએ પ્રથમ ઇનિંગમાં ૨૮ રનમાં પાંચ વિકેટ તેમજ બુમરાહે બીજી ઇનિંગમાં ૮૫ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. પંડયાએ તો અડધી સદી ફટકારીને ઓલરાઉન્ડ દેખાવ સાથે કોહલી ૧૦૩, પૂજારાએ ૭૨, પંડયાએ અણનમ ૫૨ રનનું યોગદાન આપ્યું હતું. રશિદે ૩ વિકેટ ઝડપી હતી.
૫૨૧ના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડ ૩૧૭ રનમાં ઓલ આઉટ થયું હતું. ઇંગ્લેન્ડે ૬૨ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા પછી સ્ટોકસ (૬૨) અને બટલર (૧૦૬) વચ્ચેની ૧૬૯ રનની ભાગીદારી નોંધાવીને એક તબક્કે વળતી લડત આપવાનો મિજાજ બતાવ્યો હતો. પણ બુમરાહે સપાટો બોલાવતા ૪ વિકેટ ૨૩૧ રનના સ્કોરથી ૨૪૧ રનમાં ૮ વિકેટ પડી ગઇ હતી. બુમરાહે ૮૫ રનમાં પાંચ, ઇશાંત શર્માએ ૭૦ રનમાં ૨ વિકેટ ઝડપી હતી. હવે ચોથી ટેસ્ટ ૩૦ ઓગસ્ટથી સાઉધમ્પટનમાં રમાશે.
કેપ્ટન તરીકે અમારા દેખાવથી ખુશ છું : કોહલી
”અમારે પાંચ ટેસ્ટની શ્રેણીને જીવંત રાખવા આ ટેસ્ટ જીતવી જ પડે તેમ હતી. અમે નિર્ણાયક તબક્કે જ ટેસ્ટ જીતી બતાવી તેનાથી હું બહુ ખુશ છું.” અમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં વ્યૂહ પ્રમાણેની રમત પાર પાડી પ્રભુત્વ બતાવ્યું તેનાથી સંતોષ થાય છે. ટીમના પ્રત્યેક ખેલાડીએ તેની જવાબદારી સમજીને પ્રદાન આપ્યું છે.
પ્રથમ ઇનિંગનો ધબડકો ભારે પડયો : રૂટ
ઇંગ્લેન્ડના કેપ્ટન રૃટે તેની ટીમના વિશેષ કરીને બેટિંગ દેખાવથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં ૧૬૧ રનમાં જે રીતની રમત રમીને ઇંગ્લેન્ડ ઓલઆઉટ થયું તે રૃટના મતે પરાજય માટે જવાબદાર હતું. બીજી ઇનિંગમાં બટલર અને સ્ટોકસે જે માનસિક અભિગમ સાથે ઇનિંગ બિલ્ટઅપ કરી હતી તેની પ્રેરણા ઇંગ્લેન્ડના તમામ બેટસમેનોએ લેવી પડશે. જો કે રૃટ અને કુક જેવા ઇંગ્લેન્ડના સૌથી અનુભવી અને આધાર સ્તંભ ખેલાડીઓ જ નિષ્ફળ જઈ રહ્યા હોઈ ઇંગ્લેન્ડ પ્રભુત્વ ગુમાવી રહ્યું છે તેમ લાગે છે.
ભારતે ત્રીજી ટેસ્ટ જીતી શ્રેણી જીવંત રાખી : ઇંગ્લેન્ડ 203 રનથી હાર્યું
Views 62