કચ્છ જીલ્લાનાં સુરજબારી ચેક પોસ્ટ અને સુરજબારી પુલ વચ્ચે રાત્રે બે કલાકના અરસામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નામે કલ્પેશભાઇ ગોસ્વામી અને તેમના ડ્રાઈવર અને કમાન્ડોનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. આ ઘટના વિશે કલ્પેશભાઇએ જણાવતા કહ્યું હતું કે, અમે લોકો ગાંધીનગરથી સરકારી મીટીંગ પુરી કરીને રાત્રે ભુજ પરત આવી રહ્યા હતા. ત્યારે સૂરજબારી ચેકપોસ્ટ ગયા પછી પુલથી આગળ રાત્રે બે કલાકે અચાનક જ કારના પાછળની સાઇડના ટાયરમાં પંચર પડી ગયું હતું, ત્યારબાદ કાર સાઇડમાં કરીને માર્ગ પર પસાર થઇ રહેલા એક ટેમ્પોના ચાલક પાસેથી પાનું લઇને ડ્રાઇવર કારનું ટાયર બદલી રહ્યો હતો. આ દરમિયાન અતિ ઝડપે આવી રહેલા મહાકાય ટ્રેઇલરને જોતા જ કલ્પેશભાઇએ સમય સુચકતા સાથે તેમના કમાન્ડો હિતેશભાઇ જોષી તથા ટાયર બદલતા કારના ડ્રાઇવર ભાવેશકુમાર ચૌધરીને તાત્કાલિક પાછળ બોલાવી દીધા હતા. ત્યારે અતિ ઝડપે આવી રહેલા ટ્રેઇલરે રોડની સાઇડમાં ઉભી રહેલી કારને પાછળથી ધડાકાસાથે ટકકર મારી હતી, ત્યારે તે કાર લગભગ ત્રીસ ફુટ ઉછળી હતી, અને ત્યારબાદ મદદ માટે આગળ ઉભેલા ટેમ્પો સાથે તે કાર અથડાઈ હતી.
કલ્પેશભાઇએ જણાવ્યું હતું કે, અમે મોતથી માત્ર અઢી ફુટ જ દુર હતા, આ તો ખરેખર ભગવાનનો ચમત્કાર થયો હતો. જેથી અમારા ત્રણેય જણનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનામાં કારના આગળ અને પાછળના ભાગે અને મદદ માટે ઉભા રહેલા ટેમ્પાને પણ નુકસાન થયું હતું. જયારે અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલકને ઝડપી લીધો હતો. અને ત્યારબાદ કારના ચાલક ભાવેશભાઇ ચૌધરીએ ટ્રેઇલરના ચાલક વિરૂધ માળિયા મિંયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર – જાવેદ શા