રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોના ઉનાળા વેકેશનની જાહેરાત કરતાની સાથે જ આરોગ્યલક્ષી કામગીરીનો આદેશ કરતા શિક્ષકોમાં રોષ ઊઠવા પામ્યો છે. શિક્ષકોએ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં રેમડીસીવર ઇન્જેક્શન આપવા જવાનું તેમજ ઓનલાઇન બેડ સહિતની વિગતો અપડેટ કરવાની કામગીરી સોંપવામાં આવી રહી છે.
હાલમાં બેકાબુ બનેલા સંક્રમણની ઝપટમાં નાના બાળકો, વડીલો તેમજ શિક્ષકો સહિત આવી રહ્યા છે. ત્યારે કોરોનાની આવી કપરી સ્થિતિમાં શિક્ષકોને શાળામાં બોલાવવાને બદલે ઉનાળું વેકેશન આપવાની માંગણી શિક્ષકોના સંગઠનોએ કરી હતી. આથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 3જી, મેથી શાળાઓમાં ઉનાળા વેકેશનની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ શિક્ષકોને આરોગ્યલક્ષી કામગીરી કરવાનો આદેશ કરાતાં શિક્ષકોમાં રોષ ઊઠવા પામ્યો હતો.
કોરોનાની મહામારીમાં લોકોને નજીક અને ઝડપી સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા ડેઝીગ્નેટ હોસ્પિટલોને કોરોનાની સારવારની મંજૂરી આપી છે. આ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં રેમડીસીવર ઇન્જેક્શન પહોંચાડવાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. જે કામગીરી હોસ્પિટલના કર્મચારીઓ પણ કરી શકે તેમ હોવા છતાં આ કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં બેડની વિગતોને ઓનલાઇન અપડેટ કરવાની પણ કામગીરી સોંપાતા ઉનાળા વેકેશનના લાભથી વંચિત રાખવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે.