મુંબઈથી ગોવા જઈ રહેલી લક્ઝરી ક્રૂઝમાં ડ્રગ પાર્ટી થઈ રહી હતી, જેના પર NCBની ટીમે દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ સામે આવ્યું છે. NCB ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
NCB મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે આર્યનની પૂછપરછની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં શાહરુખનો પુત્ર આર્યન પણ સામેલ છે. વાનખેડેએ જણાવ્યુ કે આર્યનની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી.
આર્યને શું કહ્યું
NCBની પૂછપરછમાં આર્યને એવો દાવો કર્યો છે કે તે પાર્ટીમાં તેના નામે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૂત્રોએ એમ પણ કહ્યું કે ક્રૂઝ અંદર ચાલી રહેલી પાર્ટીનો એક વીડિયો પણ NCBના હાથ લાગ્યો છે, જેમાં આર્યન જોવા મળી રહ્યો છે. આર્યને પાર્ટી દરમિયાન સફેદ ટી-શર્ટ, બ્લુ જીન્સ, રેડ ઓપન શર્ટ પહેર્યો હતો.
NCB સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે પકડાયેલા લોકો પાસેથી રોલિંગ પેપર પણ મળી આવ્યા છે. મોબાઇલ ફોન જપ્ત, NCB કરી રહી છે સઘન તપાસ NCB ના અધિકારીઓએ શાહરૂખના પુત્ર આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તેના મોબાઈલ ફોન પરથી મળેલી ચેટ્સની તપાસ કરવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાકીના લોકોના મોબાઈલ ફોન પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જે જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં દિલ્હીથી આવેલી ત્રણ છોકરીઓને પણ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેય મોટા ઉદ્યોગપતિઓની પુત્રીઓ જણાવવામાં આવી રહી છે.
NCBના દિલ્હી હેડક્વાર્ટરમાંથી સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં ન્યાય અને કાયદાનુસાર તપાસ થશે. જેમની ભૂમિકા હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
NCB એ બાતમીના આધારે કરી કાર્યવાહી
ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ કામગીરી હાથ ધરી છે. તે પોતાની ટીમ સાથે મુંબઈમાં ક્રુજ પર પહોંચ્યા હતા ત્યાં એક ડ્રગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિલ્હી સ્થિત કંપની Namascray Experience આ પાર્ટીનું આયોજન કર્યું હતું, એક મુસાફરની ટિકિટની કિંમત 80 હજાર રૂપિયા હતી.
આ ઓપરેશન મુંબઈના Cordelia Cruise પર કરવામાં આવ્યું છે. NCB એ દરિયાની વચ્ચે ચાલતી ડ્રગ્સ પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને હોબાળો મચી ગયો છે. સમુદ્રમાં NCB નું આ અત્યાર સુધીનું પ્રથમ અને મોટું ઓપરેશન છે.