ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાની આશા બહેનો તેમજ ફેસીલીએટર બહેનો કાયમી કરવાની માંગ અને કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતુ.જો કે, શનિવારે બનાસકાંઠા જિલ્લાની તમામ બહેનો જિલ્લા પંચાયતે ભેગા મળી સરકાર દ્વારા જાહેર કરાયેલ જી.આર.ને સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય વિભાગમાં કામ કરતી આશાઓ તેમજ ફેસીલીએટર બહેનો છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી, પણ તેમ છતાં આજ દિવસ સુધી સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા બનાસકાંઠા જિલ્લાની આશાઓ અને ફેસીલીએટર બહેનોએ શનિવારના રોજ બનાસકાંઠાની જિલ્લા પંચાયત પાલનપુર ખાતે બગીચામાં ભેગા મળી સરકાર દ્વારા જાહેર કરાયેલા જી.આર.ને સળગાવી ત્યારબાદ પગ વડે કચડીને તેમજ બુટ-ચંપલ મારી સરકાર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો.
આ મામલે આશાઓ તેમજ ફેસીલીએટર બહેનોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમને માત્ર 2000 થી 2500 રૂપિયા વેતન વધારી લોલીપોપ આપ્યો છે જે અમને મંજુર નથી, જેના કારણે જિલ્લાની સમગ્ર બહેનો સાથે મળી સરકાર દ્વારા જાહેર કરાયેલા જી.આર.ને સળગાવીને આ વિરોધ દર્શાવ્યો છે. અને જો ચૂંટણી પહેલા અમારી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો આવનારી ચૂંટણીમાં સરકારને ઘર ભેગી કરી નાખીશું, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
રિપોર્ટર – સમા સદ્દામ