પાટણ શહેરનાં ચાચરીયા વિસ્તારમાં રહેતી મોદી સમાજની એક મહિલાએ પોતાનાં ઘરના ઉપરનાં માળે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ત્યારબાદ મહિલાની લાશને નીચે ઉતારી તેનું પંચનામું અને અન્ય કાર્યવાહી કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવમાં આવી હતી. આ બનાવ પાટણ શહેરનાં ચાચરીયા વિસ્તારમાં આવેલી વખત કિશોરની ખડકીમાં રહેતા તેમજ પાટણમાં શેરબજારની ઓફિસમાં નોકરી કરતાં નામે હિરેનભાઇ નરેશભાઇ મોદીની પત્ની પૂજાબેને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં તેનાં પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયો હતો. આ બનાવ બનતાં જ આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં.
ત્યારબાદ મહિલાના પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. આ મહિલાનાં પરિવારજનો તેમજ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનારી મહિલા પૂજાબેન મૂળ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદનાં હતા. પૂજાબેન તેમજ હિરેનભાઇ મોદીનાં લગ્ન વર્ષ 2012માં થયા હતા, તેમજ તેમને 8 વર્ષનો એક પુત્ર પણ છે. આ ઘટનાની તપાસ કરનારા પી.એસ.આઇ. વી.જે. પરમારે જણાવ્યું હતું કે, મહિલાએ મૃત્યુ પહેલાં લખેલી એક ચિઠ્ઠી ઘટના સ્થળેથી મળી હતી, જેમાં તેમણે પોતાનાં મૃત્યુ માટે કોઇને પણ જવાબદાર ગણાવ્યા નથી, અને પોતે જાતે જ આત્મહત્યા કરી છે. તેમજ મળતી માહિતી મુજબ મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ