-:નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ :-
- પ્રકાશ કોરોનાને પરાજિત કરવાનું એકતારૂપી પ્રતિક છે
- સમગ્ર દેશે એક સાથે પ્રકાશના પ્રસરણ દ્વારા એકતાના દર્શન કરાવ્યા છે..
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાના દૈત્યને પ્રકાશ પૂંજ દ્વારા હરાવવા આપેલા આહવાન અન્વયે પોતાના ઘરે દીવડાઓ પ્રગટાવી દેશના સામાન્ય નાગરિકની જેમ જોડાયા હતા.
તેમણે કોરોનારૂપી અંધકારને પ્રકાશ દ્વારા હરાવી આપણો દેશ એક છે તેની વિશ્વને પ્રતીતિ કરાવવાનુ આ એકતારૂપી પ્રતિક છે તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના એક કોલે સમગ્ર દેશે કોરોના અંધકારના ઓળાને પ્રકાશના પ્રસરણ દ્વારા નિરસ્ત કરવા દેખાડેલી એકતાએ વિશ્વને ભારતની એકતાના દર્શન કરાવ્યા છે.
ભારતની આ એકતા તા. ૨૨મી માર્ચના જનતા કરફ્યુમાં પણ ઝળકી હતી અને આજે સમગ્ર દેશ વડાપ્રધાનશ્રીના સૂરમાં સૂર પુરાવી એક બની આ કપરા કાળમાં અંધકારને પ્રકાશની જ્યોત દ્વારા પરાસ્ત કરવા પોતાના ઘરના આંગણે, ઊમરે, અગાસીએ અને અટારીએ ઊભો છે તે ભારતની એકતા -અખંડિતતાનું ધ્યોતક છે.
જન સમાજની એકતારૂપી શક્તિ દ્વારા જ આપણે ગમે તેવા સંકટ અને આફતમાંથી સફળતાપૂર્વક બહાર આવી શકીશું તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાત્રે ૯-૦૦ના વાગ્યે નવ મિનિટ સુધી પ્રકાશનું પ્રાગટ્ય કરવામાં નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી સુલોચનાબેન તથા પરિવારજનો પણ જોડાયા હતા.