બે મિત્રોને કાળ ભરખી ગયો:ગાંધીનગરમાં મિત્રની બર્થડે પાર્ટી ઉજવી પરત ફરતા બે મિત્રોનું ટ્રેલરની અડફેટે મોત, પોલીસે મૃતકના મોબાઇલની ફિંગર પ્રિન્ટ થકી વાલી વારસો શોધ્યા
ગાંધીનગરના ખ રોડ પ્રમુખ નગર ચાર રસ્તા નજીક મધરાત્રે ટ્રેલરનો ચાલક પૂરપાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા સવાર બંને મિત્રોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે સેકટર – 7 પોલીસે મૃતક યુવાનનાં ફિંગર પ્રિન્ટથી મોબાઇલ ફોન અનલોક કરી વાલી વારસોને શોધી કાઢ્યા હતા.
*ખ રોડ પર અકસ્માત સર્જાયો
ગાંધીનગરમાં ગઈકાલે સેકટર – 29 કટ પાસે સ્કૂલ વાનના ચાલકે બાઇકને ટક્કર મારતાં સાદરાનાં યુવાનનું સ્થળ ઉપર કરૂણ મોત નીપજ્યું હતું. ત્યારે ગઈ મધરાત્રે ખ રોડ પર પણ ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર બે યુવાનનું ઘટનાસ્થળે મોત થયાની ઘટના સેકટર – 7 પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સેકટર – 22 પ્લોટ નંબર 1064માં રહેતાં હર્ષદભાઈ ચૌહાણ પ્રિન્ટીંગ પ્રેસનો ધંધો કરે છે.
*બન્ને મિત્રો બર્થડે પાર્ટીમાં ગયા હતા
હર્ષદભાઈ ચૌહાણનો 22 વર્ષીય પુત્ર ભાર્ગવ કોલેજ પૂર્ણ કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. જ્યારે તેના મિત્ર જૈનીલસિંહનાં (ઉં. 22, રહે. સેકટર – 16 છ ટાઈપ) પિતા શૈલેન્દ્રસિંહ ચાવડા એસઆરપી ગૃપ-12માં ફરજ બજાવે છે. ગઈકાલે ભાર્ગવ અને જૈનીલ એક્ટિવા લઈને અન્ય એક મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે સરગાસણ ગયા હતા.
*ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોતને ભેટ્યા
બાદમાં મધરાતે ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે ખ રોડ પરથી પસાર થતી લેવા પ્રમુખ નગર ચાર રસ્તા પાસે ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. જ્યારે બન્ને મિત્રો ઉછળીને રોડ પર પટકાયા હતા. અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોતને ભેટયા હતા.
*સેકટર – 7 પોલીસ સ્થળ પર પહોંચી
બનાવની જાણ થતાં સેકટર – 7 પોલીસ મથકના પીએસઆઇ મૂલયાણી, એએસઆઈ દિલીપસિંહ રાણા અને કોન્સ્ટેબલ અનિલસિંહ તાબડતોબ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જ્યાં રોડ પર બંને યુવાનો મરણ ગયેલી હાલતમાં પડ્યા હતા. જેઓનાં વાલી વારસોને શોધવા જરૂરી હોવાથી પોલીસે સ્થળ પરથી મળેલી કોલેજ બેગ તપાસી હતી. પણ કોઈ હકીકત જાણવા મળી ન હતી. એટલામાં મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. પરંતુ ઘણાં પ્રયાસ પછી પણ મોબાઇલનું લોક ખૂલતું ન હતું.
*મૃત યુવાનની ફિંગર પ્રિન્ટ વડે મોબાઇલ ફોન ખોલવામાં આવ્યો
આખરે પોલીસને મૃત યુવાનની ફિંગર પ્રિન્ટ વડે મોબાઇલ ફોન ખોલવામાં સફળતા મળી હતી. જેનાં આધારે બન્નેના વાલી વારસોને શોધી કાઢવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે રાત્રે જ ટ્રેલરની તપાસ કરતાં ટ્રેલર સરગાસણ થી મહાત્મા મંદિર તરફ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી ટ્રેલરના ચાલકને ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. અહેવાલ – તેજાજી ચૌહાણ