ડીસા અને પાલનપુર હાઇવે પર આવેલી મોઢેશ્વરી સોસાયટી નજીક બુધવારે રાત્રિના સમયે છોટાહાથીના ચાલકે એક આધેડને ટક્કર મારતાં આધેડનું મોત થયું હતું. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે છોટાહાથીના ચાલક સામે ગુનો નોંધી છે, અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં એલીવેટેડ ઓવરબ્રિજ નીચે મોઢેશ્વરી સોસાયટી નજીક જીજે-08-એયુ-0402 નંબરના છોટાહાથીના ચાલકે બુધવારે રાત્રે રાહદારી આધેડને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નામે દિલીપભાઇ ઠક્કર રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત દિલીપભાઈ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ છોટાહાથીનો ચાલક અકસ્માત બાદ પોતાની ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ બનાવને કારણે ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે અકસ્માત કરી નાસી ગયેલા છોટાહાથીના ચાલક સામે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટર – સમા સદ્દામ