સિદ્ધપુર-ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા નજીક એસટી બસનું સ્ટિયરિંગ લોક થઈ જતાં બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યુ હતું, જેના કારણે બસ રોડની સાઈડમાં ચોકડીમાં પલટી મારી ગઈ હતી જેમાં 35થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી. અને ઘટના સ્થળે જ બસના કંડક્ટરનું મોત નીપજ્યું હતું. આ બસ પાલનપુરથી છોટાઉદેપુર તરફ મુસાફરો ભરી જઈ રહી હતી. આ એસટી બસનું રાત્રે 9 વાગે સ્ટિયરિંગ લોક થઈ જતા સિદ્ધપુર ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા ગામ નજીક બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, તેથી બસ પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. બસ પલ્ટી મારતાં જ અંદર સવાર મુસાફરોની ભયજનક બૂમાબૂમ અને બસના ધડાકાભેર અવાજ રસ્તા પર ગુંજી ઉઠ્યો હતો. આ અક્સ્માતમાં એક પુરુષનું મોત તેમજ 35 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી.રસ્તા પર પસાર થતા વાહન ચાલકો બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 2 એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનોમાં તાત્કાલિક ઈજાગ્રસ્ત મુસાફરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને 10 જેટલા મુસાફરોની ગંભીર હાલત હોય વધુ સારવાર માટે ધારપુર ખસેડવમાં આવ્યા હતા.
અકસ્માતના પગલે સિદ્ધપુર ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં બસના ડ્રાઈવર ભુપતભાઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બસનું અચાનક સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું જેથી બસ કાબુમાં ના રહી અને પલટી મારી ગઈ હતી. આ બસમાં 40 જેટલા મુસાફરોહતા.જેમાં અંબાજીથી યાત્રા કરીને આવી રહેલા યાત્રાળુઓ, અને પાલનપુર શહેરમાંથી મુસ્લિમ સમાજના લોકો વધુ હતા. અન્ય છોટાઉદેપુરના પણ મુસાફરો બેઠેલા હતા.જયારે શહેરના સામાજિક સેવાભાવી કાર્યકરો સીવીલમાં દોડી આવ્યા હતા.
રિપોર્ટર – નરપત સિંહ સોલંકી