વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત
2022ની તૈયારી… શું વિજય રૂપાણીને મળી શકે છે મોટી જવાબદારી
રૂપાણીએ ટ્વીટર પર PM મોદી સાથે પોતાની તસવીર શેર કરી
ગુજરાતમાં આગામી વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજ્યના રાજકારણમાં અનેક મોટા ઉલટફેર થઈ રહ્યાં છે. અગાઉ ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ મંત્રી મંડળના રાજીનામાં લઈને નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. જે બાદ તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. એવામાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતને પગલે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દિલ્હી પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી હતી. વિજય રૂપાણીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન મોદી સાથેની પોતાની તસવીર શેર કરીને લખ્યું છે કે,
“નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી.”.
વિજય રૂપાણીએ ભલે વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરી હોવાનું કહ્યું હોય, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પણ આ મુલાકાત જોવાઈ રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણીને કોઈ મોટી જવાબદારી સોંપાય તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં વિજય રૂપાણી સહિત તેમના મંત્રી મંડળના તમામ સભ્યોએ પોતાના પદ પરથી નાટ્યાત્મક રીતે રાજીનામું આપી દીધુ હતું. પોતાના રાજીનામાં બાદ વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પાર્ટી તરફથી જે કંઈ જવાબદારી મળશે તેને બખૂબી નિભાવવામાં આવશે.
થોડા દિવસ પહેલા પણ રાજકોટ ભાજપના નેતાઓ વચ્ચે મતભેદોના સમાચાર મીડિયામાં છવાયા હતા. જેના પગલે આજે વિજય રૂપાણીની વડાપ્રધાન સાથે થયેલી મુલાકાતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.
વિજય રૂપાણી 2016માં બન્યા ગુજરાતના મુખ્યમંત્રી
65 વર્ષના વિજય રૂપાણીને ઓગસ્ટ 2016માં હાર્દિક પટેલની આગેવાનીમાં થયેલા પાટીદાર અનામત આંદોલનના પગલે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાં બાદ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. 2017ની ચૂંટણીમાં ભાજપનું ધાર્યા કરતાં નિરાશાજનક પ્રદર્શન છતાં રૂપાણીને બીજી વખત મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.