રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમમાં રોજની 8 થી 9 અરજી ફેક ન્યૂડ વીડિયો કોલની જ હોય છે, આબરૂ જવાના કારણે લોકો રૂપિયા ગુમાવે છે

Views 274

રાજકોટ શહેરના સાયબર ક્રાઇમમાં રોજ 25 થી 30 અરજીઓ આવે છે. જયારે આ અરજીઓમાં સૌથી વધુ અરજીઓ ન્યૂડ વીડિઓ કોલ બાબતની હોય છે. લગભગ રોજની 40 ટકા એટલે કે 8 થી 9 અરજીઓ ફેક ન્યૂડ વિડીઓ કોલ બાબતની આવે છે, જેમાં અનેક નામી-અનામી લોકો ફસાઈ રહ્યા છે, અને તેઓ સમાજમાં આબરૂ જવાના ડરના કારણે ફરિયાદ કરતાં નથી. આ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં જયારે શહેર, રાજ્ય અને દેશ ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે, પણ તેની સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધી ગયો છે. અને ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધી ગયો છે. અને આ વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જોખમરૂપ બની ગયા છે. સાયબર ક્રાઇમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિશે સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારીએ કહ્યું હતું કે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રોજ 25 થી 30 જેટલી અલગ-અલગ અરજીઓ આવી રહી છે, જેમાં સૌથી વધુ એટલે કે લગભગ 40 ટકા અરજી ફેક ન્યૂડ વીડિઓ કોલની જ હોય છે. ત્યારે ઘણાં લોકો આબરૂ જવાના ડરના કારણે અરજી કરતા જ નથી અને લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે.

ત્યારબાદ ACP વિશાલ રબારીએ વધુમાં કહ્યું હતું કે ક્રિમિનલો દ્વારા આવા બનાવમાં પહેલા સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરીને મેસેજ દ્વારા વાતો કરીને ત્યારબાદ તેમની સાથે વીડિયો કોલમાં ન્યૂડ કોલ કરી તેમનું વીડિયો રેકોર્ડિંગ કરી લેતા હોય છે. અને ત્યાર પછી વીડિયો રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયાની માગણી કરતા હોય છે. જયારે ઘણા કિસ્સાઓમાં લોકો બ્લેકમેલિંગથી ડર્યા વગર પૈસા આપવાનું ટાળતા હોય છે, પરંતુ અમુક કિસ્સાઓમાં નાની-મોટી રકમ આપી દેવામાં આવતી હોવાથી આ પ્રકારના ગુના કરતા ક્રિમિનલોની હિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ફેક ન્યૂડ વિડીઓ કોલને કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે જો કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને તો સૌથી પહેલા તેણે હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઈએ. આમાં ઉલ્લેખનીય છે કે મોટા ભાગે ફેસબુક એકાઉન્ટ પર વિવિધ નામથી રિકવેસ્ટ મોકલીને લોકોને શિકાર બનાવવામાં આવતા હોય છે, જો આવું બને તો તાત્કાલિક ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવું જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને એકાઉન્ટની કોઈ જ ગતિવિધિ જોવા મળશે નહીં.

તેમણે આગળ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય અને રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમથી બચવા માટે અનેક પ્રકારની ઝુંબેશ હાલમાં ચલાવવામાં આવી રહી છે. આ માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર સહિતનાં માધ્યમો મારફત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એનો ફાયદો પણ મળી રહ્યો છે. આમ છતાં હજુ અનેક લોકો આ સમસ્યામાં ઝકડાઈ રહ્યા હોવાને કારણે પોલીસ સામે એક પડકાર પણ ઊભો થતો હોય તેમ જોવા મળી રહ્યું છે.

રિપોર્ટર – ઈલા મારૂ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *