ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે IOC દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Views 263

  • 26 લાખથી વધુના ખર્ચે 191 દિવ્યાંગોને જરૂરિયાત મુજબ સાધનસામગ્રી અપાઈ
  • દિવ્યાંગોને સન્માન અને સહકાર આપી સમાજમાં સન્માન આપીએ :- સાંસદશ્રી ભરતસિંહ ડાભી

ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આપણા દેશના ખૂણે- ખૂણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે સિદ્ધપુર શહેરનાં સ્વામી નારાયણ મંદિર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને સહાયરૂપ થાય તેવા કૃત્રિમ અંગ તેમજ સાધનસામગ્રી આપવાનો કાર્યક્રમ પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત 191 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરૂરિયાત મુજબના કૃત્રિમ અંગો તેમજ સાધનો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

સિદ્ધપુર શહેરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો મોટો પ્લાન્ટ કાર્યરત છે. જે અંતર્ગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સી.એસ.આર. ગ્રાન્ટમાંથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં 191 જેટલા દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂપિયા 26,83,084 ની કિંમતના બનેલ 311 સાધનસામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં 191 દિવ્યાંગ વ્યક્તિઓના નામ નોંધવામાં આવ્યા હતા. જે નોંધાયેલા દિવ્યાંગોને કાર્યક્રમ દરમ્યાન સાધનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાઈસાઇકલ, વ્હીલચેર, સી.પી.ચેર, ઘોડી, સ્ટિક, કાનની મશીન, એમ.એસ.આઈ.ઈ.ડી. કીટ, બ્રેલ કેન, રોલેટર, એ.ડી.એલ.કીટ, મોબાઈલ, સ્માર્ટ ફોન જેવી સાધનસામગ્રી દિવ્યાંગોને વિતરણ કરવામાં આવી હતી.

આ દિવ્યાંગોને સાધનસામગ્રી વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગજનોને સાધન વિતરણ કરવામાં આવ્યા તેનાથી તેમના દૈનિક જીવનમાં ઉતરોતર પ્રગતિ થશે. દિવ્યાંગજનોને સન્માન સાથે સહકાર આપવાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પ્રયાસોને હું બિરદાવું છું. તેમના આ ભગીરથ પ્રયાસને લીધે આ કાર્ય શક્ય બન્યું છે. પ્રજાના કોઈપણ પ્રશ્નો હોય તેમના હકારાત્મક ઉકેલ માટે વડાપ્રધાનશ્રી કટિબદ્ધ છે. સમાજના વ્યક્તિઓ દિવ્યાંગજનોને સન્માન આપી તેઓ પણ દેશના વિકાસમાં તેમનું યોગદાન આપે તે માટે આપણે સૌએ દિવ્યાંગોને મદદરૂપ થવું જોઈએ.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મહાપ્રબંધક શ્રી કે. મહેતા, શ્રી રાજેશ કરંડિકર, નાયબ કલેકટરશ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રભુભાઇ ચૌધરી, બાલ સુરક્ષા અધિકારી કેતનભાઇ પ્રજાપતિ, શ્રી મુદ્દુલ અવસ્થિ, શ્રી સંજયસિંહ, શ્રી અનુજ ધાકડ સહિત દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *