પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો,અમદાવાદ દ્વારા મહેસાણા ખાતે આવનારી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ માટે એક દિવસીય “વાર્તાલાપ” રૂરલ મીડિયા વર્કશોપને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહેસાણા જીલ્લાનાં મતદાર જાગૃતિ અને સ્વીપ કામગીરીના નોડલ ઓફિસર ગીતાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૂંટણીએ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે. ભારત દેશમાં 91 કરોડ મતદારો છે, અને તેમાં પણ યુવા મતદારો વધારે છે. આથી મતદારો વધારેમાં વધારે મતદાન કરે એ માટે તેમનામાં જાગરૂકતા હોવી જરૂરી છે. જેણે ધ્યાનમાં રાખીને ચુનાવ આયોગ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જન જાગરૂકતા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા રહ્યાં છે.
ગીતાબહેને જણાવ્યું હતું કે, આવો જ એક પ્રયાસ “સ્વીપ” કાર્યક્રમનો છે, જે વર્ષ 2009થી મતદાર જાગૃતિ માટે કાર્ય કરે છે. આ કાર્યક્રમ થકી 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોની ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગીતાબહેને એ પણ જણાવ્યું હતું કે, મહિલા મતદારો વધારે મતદાન કરે એ માટે પિંક બુથ, દિવ્યાંગ મતદારો માટે અલગ મતદાનની વ્યવસ્થા વગેરે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે.
આ વેળાએ ચિત્રલેખા મેગેઝિનનાં બ્યુરો ચીફ કેતન ત્રિવેદીએ કહ્યું હતું કે, આજે પરંપરાગત પત્રકારત્વ અને નવા પત્રકારત્વનાં પત્રકારિતાનાં આયામો બદલાયાં છે. ડિજિટલ યુગના આ પત્રકારત્વમાં જનતા સુધી સચોટ માહિતી પહોંચે એ ખૂબ જરૂરી છે, કેમ કે ખોટી માહિતી જનતા અને રાષ્ટ્ર માટે ખતરો પેદા કરી શકે છે.
આ પ્રસંગે ગ્રામીણ પત્રકારત્વમાં બહોળો અનુભવ ધરાવતા અને કટાર લેખક મણીભાઈ પટેલે પોતાના ગ્રામીણ પત્રકારિતાનાં અનુભવો વિશે જણાવ્યું હતું, તેમજ ગ્રામીણ સમસ્યાઓ વિશે અવગત પણ કરાવ્યા હતા.
આ પ્રસંગે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદના નાયબ નિયામકશ્રી યોગેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એમાં મીડિયાની ભૂમિકા અગત્યની રહેલી છે. મીડિયાની ભૂમિકા મતદારોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગૃત મતદાર દેશની સૌથી મોટી મૂડી છે. આ પ્રસંગે સરકાર દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ મતદાન જાગૃતિ અને સ્વીપ કામગીરીના અધિકારીશ્રી ગીતાબહેન ચૌધરી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદના નાયબ નિયામકશ્રી યોગેશ પંડ્યા, કટાર લેખકશ્રી મણીભાઈ પટેલ, ચિત્રલેખા મેગેઝિનનાં બ્યુરો ચીફશ્રી કેતન ત્રિવેદી, પાલાવાસના નાં સરપંચશ્રી આશાબહેન તેમજ અન્ય પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી