નારોલ અને દાણીલીમડામાંથી એક જ બુટલેગરનો રૂ. 7 લાખનો 1392 બોટલ દારૂ પકડાયો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર નવાર મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવે છે. ત્યારે નારોલમાંથી પોલીસે 960 દારૂની બોટલ અને દાણીલીમડામાંથી પોલીસે 432 દારૂની બોટલ કબ્જે કરી છે. આમ બંને પોલીસ સ્ટેશનની હદમાંથી 7 લાખથી વધુનો દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. બંને પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલો દારૂ એક જ બુટલેગરનો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
*દાણીલીમડાથી દારૂ ભરીને સાણંદ સપ્લાય કરવાનો હતો
નારોલ પોલીસે દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાંથી પોલીસે 4.80 લાખની કિંમતની કુલ 960 દારૂની બોટલ કબ્જે કરી છે. દારૂ સાથે સાજીદ હુસેન મોમીન નામના સાણંદના યુવકની પણ ધરપકડ કરી છે. દાણીલીમડાના આસિફ ઉર્ફે ટકલાએ દારૂ ભરી આપ્યો હતો અને સાણંદના શક્તિસિંહ વાઘેલાને સપ્લાય કરવાનો હતો તે પહેલાં જ પોલીસે દારૂ ભરેલ ટ્રક કબ્જે કરી લીધી છે. નારોલ પોલીસે દારૂ સહિત 10.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
*દાણીલીમડામાંથી પણ તે જ બુટલેગરનો દારૂ મળ્યો
બીજી તરફ દાણીલીમડા પોલીસને પણ બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા ગુલાબનાગરમાંથી 432 દારૂની બોટલો સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અલમાસ છીપા અને ફરદીન પઠાણ નામના આરોપીઓની પૂછપરછ કરતા આસિફ ઉર્ફે ટકલાનો દારૂ હોવાનું સામે આવ્યું હતું. આમ પોલીસે 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસ હાથ ધરી છે. બંને પોલીસ સ્ટેશનમાં આસિફને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ કરવામાં આવી રહી છે.
અહેવાલ – વિજયસિંહ દરબાર