ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા બે કંટેનરને ડી.આર.આઈ.ની ટીમે જાંચ પડતાલ હાથ ધરતા તેની દાણચોરી સાથે જોડાયેલા આયાતકાર તત્વોને ગંધ આવી જતા તેમણે બન્ને કન્ટેનરના બીએલને ઉભાઉભ બદલાવીને દુબઈ મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાહોશ ડી.આર.આઈ.એ બન્ને કંટેનરને મુંદ્રામાં જ ઉતરાવીને તપાસ કરતા એકમાંથી ઈ-સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. જેની બજાર કિંમત અનુસાર 48 કરોડ થાય છે. તો બીજા કંટેનરમાંથી મીસડિક્લેશનનો જથ્થો મળી આવ્યો હતો. મુંદ્રા એપસેઝથી નિકળેલા કંટૅનરોમાંથી સુરત પાસે ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યા બાદથી કેંદ્રીય તપાસનીસ એજન્સીઓનો ડોળો કચ્છમાં કંડલા અને મુંદ્રા પર લાગેલો છે ત્યારે સુરત અને અમદાવાદમાં ડી.આર.આઈ.નું વધુ એક મોટુ સંયુક્ત ઓપરેશન શનિવારના રોજ હાથ ધરાયું હતું.
ચીનથી મુંદ્રા પોર્ટ પર વેસલમાં આવી પહોંચેલા કંટેનરમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી હતી, જેના આધારે કંટેનર ઉતારવાની સ્વાભાવિક પુછપરછમાં જ આયાતકારોને એજન્સીની નજર હોવાની ગંધ આવી જતા તેની બીએલમાં આયાતકારો અને ષડયંત્રકારીઓએ તરત જ પરિવર્તન કરીને તેને મુંદ્રા નહિ પરંતુ દુબઈના જેબલ અલી પોર્ટમાં ઉતરાવાની પ્રક્રિયાનો નાકામ પ્રયત્ન કર્યો હતો. પરંતુ આજ સમયગાળામાં સતર્ક ડી.આર.આઈ.ના અધિકારીઓએ બન્ને કંટેનર ઉતારીને તેમાંથીએક ખોલીને તપાસ કરતા તેમાંથી 2,00,400 લાખ સ્ટિક્સ ઈસિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. જેની ભારતીય મુલ્ય સાથે તપાસ કરતા અંદાજે કિંમત 48 કરોડ થાય છે. તો બીજા કંટેનરમાંથી પણ મીસડિક્લેરેશન પ્રમાણનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ તેમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળ્યો નહોતો. નોંધવુ રહ્યું કે ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર ભારત સરકારે અગાઉથી જ પ્રતિબંધ જાહેર કરેલો છે. મુંદ્રા પોર્ટ અને એપસેઝ સબંધિત આ પ્રકરણમાં વધુ એક વાર આ પ્રકારનું મોટુ ષડયંત્ર ઝડપાતા સબંધિતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કરોડોની ગેરરીતી આચરનાર આ આયાતકારી પેઢી ભુજમાં સ્થિત હોવાનું સામે આવી રહ્યું છે.
અગાઉ પણ સુરત પાસે ડી.આર.આઈ.એ ઝડપેલા એક કન્ટેનરમાંથી આવી જ રીતે કરોડોની ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે જ ભુજમાં પણ દરોડા પડ્યા હતા. હવે ફરી પાછો આવો કાર્ગો મળી આવતા સબંધિત વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. ભારતમાં એક ઈ-સિગારેટ 2 હજારથી 3 હજારની કિંમતમાં માર્કેટમાં વેંચાય છે, જેના આયાત પર સંપુર્ણ પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપીથી તેને ઘુસાડવાનો સતત પ્રયાસ કરાતો રહે છે. આજ પ્રયાસ તળે 250 બોક્સ મળી આવ્યા હતા, જે દરેક મોટા બોક્સમાં 800 સિગારેટ હતી. જે દરેક ઈ સિગારેટમાંથી 2500 પફ લઈ શકાય છે.
રિપોર્ટર – જાવેદ શા