રાજ્યની 4 મેગા સિટીમાં 10 વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ
આરોપી ખુદ બોગસ બેંક મેનેજર બનીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગયો
CAની પેનલ પાસે ઓડિટ કરાવતાં ષડયંત્રનો પર્દાફાશ થયો
રાજયની 4 મેગા સિટીમાં કારની ડિલરશીપના બિઝનેસમાં વડોદરાના ભાગીદારને અંધારામાં રાખીને વર્ષ 2008થી 2018 સુધીના 10 વર્ષના સમયગાળા દરમીયાન કાગળ ઉપર માલની ખરીદી અને ચૂકવણીનું ટ્રાન્જેકશન દર્શાવીને અને બોગસ બેંક ગેરેન્ટી બનાવીને રૂ. 142 કરોડનું આયોજન પૂર્વકનું કૌભાંડ આચરનારા અમદાવાદના માસ્ટર માઈન્ડ ઝનકારસિંહ સોલંકી અને વિરલ શાહ સહિત 10 કંપનીઓના ડાયરેકટરો મળીને કુલ 26 આરોપીઓ સામે સ્ટેટ CID ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના ભાગીદારે આપેલી લેખીત ફરિયાદના સંદર્ભમાં દોઢ વર્ષ સુધી તપાસ કરીને પુરાવા એકત્રીત કર્યા બાદ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે ઓર્ગેનાઈઝડ્ ઈકોનોમિક ક્રાઈમ સંદર્ભમાં ગુનો રજિસ્ટર કરતાં રાજયના મોટા માથાઓની ફરતે કાયદાનો સકંજો કસાયો છે.
શહેરના ગોરવા, ઈનોર્બીટ મૉલ પાછળ આવેલી પરીશ્રમ સોસાયટીમાં રહેતાં 47 વર્ષીય બિઝનેસ મેન કુરેન મનીષભાઈ અમીન (પટેલ)એ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટમાં જાહેર કર્યુ છે કે, તેઓ ટૉર્ક કોમર્શીયલ વ્હીકલ્સ પ્રા.લી. કંપનીના CEO છે. જેની ઓફિસ અમદાવાદ એસ.જી. હાઈવે ગ્રાન્ડ ભગવતી હોટલ પાસે આવેલી છે. વર્ષ 2004માં બ્લીટઝ્ ઓટો પ્રા.લી. નામથી સુરતમાં એક લક્ઝરીયસ કારના ડિલરશીપથી શરૂઆત કરી હતી. 2007 સુધીમાં વડોદરા,રાજકોટ અને અમદાવાદમાં બિઝનેસ વિસ્તર્યો હતો.
કુરેનના ભાઈના મિત્ર ઝનકારસિંહ કિશોરસિંહ (રહે, તિર્થ નગર-૧, સન એન્ડ સ્ટેપ કલબની પાછળ,મેમનગર અમદાવાદ)એ અમદાવાદની ડિલરશીપના બિઝનેસમાં પાર્ટનરશીપ કરવાની તૈયારી દાખવી હતી. ઝનકારસીંહ અને તેના ભાગીદાર વિરલ શાહ રૂ. 8 કરોડનું રોકાણ કરીને ધંધામાં કેટલાક ટકાવારીમાં ભાગીદાર બન્યા હતા. કંપનીનું કરન્ટ બેન્ક એકાઉન્ટ વડોદરા, અલકાપુરીની SBIમાં હતુ. જે એકાઉન્ટ આયોજન પૂર્વક અમદાવાદની દેના બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યુ હતુ.
ઝનકારસિંહ અને વિરલ શાહ બિઝનેસ ઓપરેટ કરતા હતા. વર્ષ 2018માં કેટલાક હિસાબોમાં શંકા જતાં ચાર્ટડ એકાઉન્ટન્ટની પેનલ મારફતે પાછલા 10 વર્ષના હિસાબોનું ઓડિટ કરવામાં આવ્યુ હતુ.
ઓડિટીંગ દરમિયાન માત્ર કાગળ ઉપર કંપનીમાં માલ ઉધારીને તેની સામે ચૂકવણું કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત દેના બેંકમાંથી બોગસ બેંક ગેરેન્ટી પણ દર્શાવીને બેંક સાથે પણ ફ્રોડ કર્યુ હતુ. વર્ષ 2008થી 2018 સુધીમાં રૂ. 142,54,24,828 નું કૌભાંડ સપાટી ઉપર આવ્યુ હતુ.
સ્ટેટ CID ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગરના ડિટેકટીવ પી.આઈ. વી.એસ. સિંઘવે વડોદરાના ભાગીદાર કુરેન અમીનની ફરિયાદ ઉપરથી 26 આરોપીઓ સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
બોગસ બેંક મેનેજર બનીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આરોપી ગયો
ફરિયાદમાં થયેલા આક્ષેપ પ્રમાણે, 26 આરોપીઓ પૈકીના વિરેન્દ્ર ઉપાધ્યાય બોગસ બેંક મેનેજર બન્યા હતા. તેઓ નકલી આઈ કાર્ડ સાથે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગયા હતા અને બેંક મેનેજર તરીકે ઓળખ આપીને બેંકને સંલગ્ન અત્યંત મહત્વના ગણી શકાય તેવા ડોકયુમેન્ટસ ઉપર મેનેજર વતી સહીઓ કરી હતી. જે હકીકત રેકોર્ડ ઉપર આવતાં ઈન્વેસ્ટીગેશન ઓફિસરે તપાસ શરૂ કરી છે.
બોગસ બેંક ગેરન્ટીના સંદર્ભમાં સીઆઇડીએ બેંક પાસે જરુરી દસ્તાવેજોની માગણી કરી છે. અમદાવાદના માસ્ટર માઈન્ડ ઝનકારસિંહ સોલંકી અને વિરલ શાહ સહિત 26 આરોપીઓ સામે વડોદરાના ભાગીદારે ફરિયાદ નોંધાવી છે.
કૌભાંડમાં પટાવાળાથી માંડી સંચાલકો સુધીનું ઈન્વોલમેન્ટ..!
પોલીસ પેપર્સ પ્રમાણે, આ એક એવુ ષડયંત્ર છે જેમાં પટાવાળાથી માંડીને કંપનીના સંચાલકોએ નાની મોટી ભૂમિકા ભજવી છે. FIRમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે કંપનીના પટાવાળાઓએ બોગસ રબર સ્ટેમ્પ બનાવ્યા હતા. સુપરવાઈઝર કક્ષાના કર્મચારીઓએ કંપની સંચાલકોના તાબે થઈને બોગસ સહીઓ કરીને કેટલીક કચેરીઓમાં નકલી નામ ધારણ કરીને હાજર પણ રહયાં હતા.