કચ્છ જીલ્લાનાં ભુજ શહેરના હમીરસર તળાવમાં આજે સવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો જોવા મળ્યો હતો. ત્યારે લોકો દ્વારા ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈ હસ્તકના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે મૃતકનો કબજો લઈ મૃતદેહને પોસમોર્ટમ માટે જી.કે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની ઓળખ મેળવવાની તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે તળાવની પાળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
જયારે ભુજ શહેરના હાર્દસમાં હમીરસર તળાવમાં આ વર્ષે સારા વરસાદના કારણે નવા પાણીમા વ્યાપકપણે વધારો થયો છે. તેની સાથે તેમાંથી મૃતદેહ મળવાનું પણ યથાવત ચાલુ રહ્યું છે. આ ઘટનાના એક માસ પૂર્વે પણ ભુજના આધેડનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ફરી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો છે. ભુજ શહેર પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અને ક્યાં કારણોસર પુરુષનું મૃત્યુ નીપજ્યું છે તે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા તપાસ હાથ ધરવમાં આવી છે. આ વિશેની વિગતવાર નોંધ હજુ પોલીસ સ્ટેશનમાં થઈ નથી.
રિપોર્ટર – જાવેદ શા