દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે એકાએક વીજળી પડતા માલધારી યુવક તથા તેની સાથે 50 બકરાઓ ના મોત થયા હતા. ત્યારે અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અને છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે કુલ 23 તાલુકાઓમાં વરસાદ નોધાયો હતો. જેમાં 6 તાલુકાઓમાં એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના 17 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ થતાં વાતાવરણમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ઠંડક પ્રસરી ગઈ હતી. જયારે ભચડીયા ગામના માલધારી સમાજના આગેવાન કેવળભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અડેરણ (ત) ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી અને તેમનો ભાઈ બકરાં ચરાવવા રવિવારે માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા. તે દરમ્યાન સાંજના સુમારે એક ભાઈ બકરાં લઇને નીચે ઉતરીને ઘરે પહોંચી ગયો હતો.
પરંતુ બીજો ભાઈ મોડી સાંજ સુધી પણ પરત ન આવતા પરિવારજનોએ ડુંગર વિસ્તારમાં શોધ-ખોળ શરૂ કરી દીધી હતી. જ્યાં વીજળી પડવાથી ચમનભાઈ સહિત તેના 50 બકરાઓના મોત નીપજ્યા હોવાનુ જોવા મળ્યું હતું. આ ઘટનાને લઇને નાનકડા ગામ સહીત સમગ્ર માલધારી સમાજમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા પ્રવર્તી જવા પામી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ પણ માલધારી લોકો ડુંગર પર અન્ય પશુ ધન શોધવાની કવાયત હાથ ધરી રહ્યા છે. મૃતકનો દેહ પણ હજુ સુધી નીચે લાવવામાં આવ્યો નથી.
રિપોર્ટર – સમા સદ્દામ