ડ્રગ્સ ખરીદવા માટે ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરવામાં આવતું
બે વર્ષમાં આશરે આઠ કરોડથી વધુના ડ્રગ્સનું વેચાણ કર્યું
અમેરિકાથી ડ્રગ્સ મંગાવી અમદાવાદ અને તેની આસપાસ આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને વેચાણ કરતા બે ડ્રગ્સ ડિલરોની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ જ ગુનામાં ગ્રામ્ય એલસીબીએ આરોપીને ઝડપી આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાસ કર્યો હતો. જોકે આ ગુનામાં સુરત અને વલસાડના કેટલાક આરોપીઓની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
વંદીત પટેલના અને પાર્થ શર્મા પાસેથી અમેરિકન ડ્રગ ખરીદતા
અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી વિપલ સંજયગીરી ગોસ્વામી અને ઝીલ પરાતે છે. જે બન્ને ડ્રગ ડિલર તરીકે છુટક ડ્રગ્સ મેળવી વેચાણ કરતા હતા. ઝડપાયેલા આરોપી અગાઉ પોલીસે પકડેલા બે આરોપી વંદીત પટેલના અને પાર્થ શર્મા પાસેથી અમેરિકન ડ્રગ મેળવી છૂટકમાં વેચાણ કરતા હતા. સાથે જ આરોપીની પૂછપરછમાં એ હકીકત સામે આવી છે કે મોટાભાગે ડ્રગ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા નબીરાઓને વેચ્યુ હોવાનું સામે આવ્યું છે. સાથે જ છેલ્લા બે વર્ષમાં આશરે આઠ કરોડથી વધુનું ડ્રગ્સ વેચાણ કરી ચુક્યા છે.
અમેરિકન ડ્રગ્સ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમેરિકન ડ્રગ્સ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી મોબાઇલ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારણકે ડ્રગ્સ ખરીદવા માટે ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરવામાં આવતું હતું. જેથી આરોપીઓ કઈ કઈ વેબસાઈટનો ઉપયોગ કરતા હતા. અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડિલરોનો સંપર્ક કેવી રીતે કરવામાં આવતો હતો. તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સના પાર્સલ કોના નામે અને કયા સરનામે આવ્યા છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
અન્ય આરોપીઓની શોધખોળ પણ પોલીસે શરૂ કરી
નશાના કારોબાર જોતરાયેલા ચારેય યુવકો ઉચ્ચ શિક્ષણ અને સારા પરિવારના પુત્રો છે. પરંતુ નશાના બંધાણી થયા બાદ પોતાના શોખ પૂરા કરવા ડ્રગ્સના વેચાણ પણ કરવા લાગ્યા હતા. જોકે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ ખરીદનાર સંખ્યાબંધ વિદ્યાર્થીઓના કોન્ટેક સામે આવ્યા છે. જેમની પૂછપરછ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાથે જ આ ગુનાના ફરાર અન્ય આરોપીઓની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે.