ક્રિકેટ જગતની વર્તમાન પેઢીના કેટલાક દિગ્ગજ સ્ટાર્સથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં રવિવારે રમાનારા હાઇવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની ટીમને ફરીથી રગદોળવા માટે મેદાનમાં ઊતરશે ત્યારે કરોડો લોકોની નજર આ મેચ ઉપર રહેશે. આઇસીસી ટૂર્નામેન્ટમાં જ બંને ટીમો આમનેસામને થતી હોય છે. આઇસીસીની વન-ડે તથા ટી20 વર્લ્ડ કપની તમામ 12 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો પાંચ વખત આમનેસામને થઈ છે અને તેમાં પણ ભારત જીત્યું છે.
કોહલી, રોહિત, બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ હોવાના કારણે ભારતીય ટીમ દબાણમાં આવશે નહીં. ભારતની તુલનામાં પાકિસ્તાન દબાણમાં રમશે કારણ કે, તે ક્રિકેટની આ સૌથી નાની ફોર્મેટમાં પોતાની પરંપરાગત હરીફ સામે સતત હારતું આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ક્રિકેટ ઉપર સંકટના વાદળો છવાયા છે અને ભારત સામે હારે તો તેની સ્થિતિ વધારે કફોડી બની જશે.
ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ગેમપ્લાન
ટી20 વર્લ્ડ કપ પહેલાં આઇપીએલ 2021ના પાર્ટ-2ની કેટલીક મેચો દુબઇના સ્ટેડિયમમાં રમાઈ હતી. લીગની ફાઇનલ પણ આ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ દરમિયાન દુબઇની પિચ સ્લો રહી હતી. ભારતે બંને વોર્મ-અપ મેચ આ ગ્રાઉન્ડમાં રમી હતી જેમાં તેણે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેને હરાવ્યા હતા. પાકિસ્તાન સામેની મેચમાં ભારતને આ ગ્રાઉન્ડમાં રમવાનો કેટલોક ફાયદો મળશે. દુબઇના ગ્રાઉન્ડમાં અત્યાર સુધી 61 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે અને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 34 તથા બીજી બેટિંગ કરનાર ટીમે 26 મેચ જીતી છે. ઓક્ટોબરનો અંત ભાગ હોવાના કારણે વર્લ્ડ કપના બીજા મુકાબલામાં ઝાકળની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બનશે. ઝાકળના કારણે રનચેજ કરવા થોડાક આસાન બની જાય છે. બંને ટીમો ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ગેમપ્લાન રાખશે.
હારજીત સાથે કરોડો દેશવાસીઓની લાગણીઓ જોડાયેલી રહેશે
લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, રવીન્દ્ર જાડેજાના સ્વરૂપે ભારત પાસે મજબૂત બેટિંગ ક્રમ છે. જેઓ પાકિસ્તાનના શાહિન આફ્રિદી, હસન અલી, ઇમદ વસીમ, શાદાબ ખાનની ચોમેર ધોલાઈ કરી શકે છે. બોલિંગમાં ભારત પાસે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર તથા સ્પિનર અશ્વિન છે જે પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ વેરવિખેર કરી શકે છે.
ભારતની ઇલેવન અંગે સસ્પેન્સ
મહામુકાબલા પહેલાં ભારતીય સુકાનીએ તેની પ્લેઇંગ ઇલેવન અંગે સસ્પેન્સ જાળવી રાખીને પાકિસ્તાન સામે માઇન્ડ ગેમ રમી છે. કોહલીએ મેચ પહેલાં જણાવ્યું હતું કે, સ્ટેડિયમનો માહોલ અલગ રહેશે પરંતુ અમારા માઇન્ડ સેટ તથા તૈયારીમાં કોઈ ફેરફાર કરાયો નથી. અમે માત્ર અન્ય ટીમોની જેમ જ આ મેચને રમીશું. પાકિસ્તાન સામેનો મુકાબલો રોમાંચક બનશે તેમાં કોઈ શંકા નથી પરંતુ ભારતીય ટીમ સંપૂર્ણ બેલેન્સવાળી છે.
પાક.ના 12 ખેલાડીઓ જાહેર
પાકિસ્તાની ટીમે શનિવારે સાંજે જ તેના અંતિમ 12 ખેલાડીઓ જાહેર કર્યા હતા. જોકે પ્લેઇંગ ઇલેવનમાં કોણ રહેશે તે મેચ પહેલાં જાહેર કરશે. ટીમમાં બાબર આઝમ (સુકાની), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, મોહમ્મદ રિઝવાન, ઇમદ વસીમ, મોહમ્મદ હફિઝ, શાદાબ ખાન, શોએબ મલિક, હેરિસ રઉફ, હસન અલી, શાહિન શાહ આફ્રિદીનો સમાવેશ થાય છે.
હવામાન રિપોર્ટ
ઓક્ટોબરમાં દુબઇમાં સાંજનું વાતાવરણ શાનદાર હોય છે અને રવિવારે ઇન્ડો-પાક. મેચ દરમિયાન પણ રહેશે. 24મી ઓક્ટોબરે દુબઇનું તાપમાન વધારેમાં વધારે 34 તથા ન્યૂનતમ 26 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આસમાન સાફ રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. 7:30થી રમાનારા પ્રત્યેક મુકાબલામાં 25થી 30 ઓવરની રમત બાદ ઝાકળનું પરિબળ બોલર્સ માટે માથાનો દુઃખાવો બની શકે છે.
2007 : ભારતે પાકિસ્તાનને બોલઆઉટમાં હરાવ્યું, ડરબન
2007 : ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું, જોહાનિસબર્ગ
2012 : ભારતે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું, કોલંબો
2014 : પાકિસ્તાન સામે ભારતે સાત વિકેટે વિજય મેળવ્યો, ઢાકા
2016 : ભારતે પાકિસ્તાનને છ વિકેટે પરાજય આપ્યો હતો, કોલકાતા
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.
