કલોલમાં આવેલી કેલીકો મીલના અવાવરૃ કુવામાં ઉંટ પડી જતાં તેને રેસ્કયુ કરીને બહાર કઢાયો હતો. સ્થાનિકોએ નગરપાલિકાને આ ઘટનાની જાણ કરતા પાલિકા તંત્રની ટીમ જેસીબી મશીન લઈને દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ઉંટને બચાવી લીધો હતો જ્યારે ઝુંડાલ કેનાલમાં ખાબકેલી ગાયને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લીધી હતી.
કલોલમાં આવેલી કેલીકો મીલના અવાવરૃ કુવામાં વહેલી સવારે એક ઉંટ પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં દરબારની ચાલીના રહીશો અને કોઠીવાળી ચાલીના રહીશો દોડી આવ્યા હતા. જો કે ઉંટને બહાર કાઢવા કોઈ સાધન સામગ્રી નહીં હોવાથી સ્થાનિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ત્યારે કોઠીવાળી ચાલીના ગીરીશભાઈ પરમાર અને સ્થાનિકોએ આ ઘટનાની જાણ ફોરેસ્ટ ખાતાને કરી હતી.
ત્યારે નગરપાલિકા તંત્રને પણ ઘટનાની જાણ કરવામાં આવતાં સેનેટરી ખાતાના લાલભાઈ પટેલ અને ટીમ જેસીબી મશીન લઈને દોડી આવી હતી.
જો કે કુવાની આજુબાજુમાં પોચી જમીન હોવાથી મશીન પણ ફસાઈ ગયું હતું. ત્યારબાદ કુવાની દિવાલો તોડી રબરના ટાયરોની સાંકળ બનાવી ઉંટને બાંધીને મહામુસીબતે બાંધીને જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉંટને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવનાર નગરપાલિકા તંત્રની ટીમનો સ્થાનિકોએ આભાર માન્યો હતો.
ઉંટને બહાર કાઢવા માટે બે કલાકથી પણ વધારે જહેમત ઉઠાવી હતી. તેમાં પોચી જમીન હોવાથી અવારનવાર જેસીબી મશીન પણ ફસાઈ જતું હતું. જો કે ઉંટને હેમખેમ નીકળી જતાં તંત્રએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.
તો ઝુંડાલ કેનાલમાં ખાબકેલી ગાયને બચાવવા માટેનો કોલ ગાંધીનગર ફાયરબ્રિગેડને મળ્યો હતો. તરત જ ફાયરબ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને ગાયને બચાવી લેવામાં આવી હતી. આમ ચોમાસાની મોસમમાં જમીન બેસી જવાથી પશુઓને પણ હેરાન પરેશાન થવું પડે છે.
કલોલની કેલીકો મીલના અવાવરા કુવામાં ખાબકેલા ઉંટને બચાવાયો
Views 67