બલીઠા હાઇવે પર BMW કાર દ્વારા હિટ એન્ડ રન.

Views 65

વાપીના બલીઠા હાઈવે પર બીએમડબ્યુ કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં અતુલના આરટીઓ એજન્ટનું સ્થળ પર મોત નિપજ્યું હતું. મૃતક અતુલથી વાપી ખાતે આવેલી ઓફિસે આવવા નીકળ્યો અને રસ્તામાં કાળ ભરખી ગયો હતો.
વલસાડના અતુલ ડુંગર ફળિયા ખાતે રહેતો નીતિન તેજાભાઈ સોલંકી (ઉં.વ.૩૬) આજરોજ પોતાની હીરોહોન્ડા મોટરસાયકલ (નં.જીજે-૧૫-એમ-૯૯૯૦) પર વાપી ખાતે આવેલી ઓફિસે આવવા નીકળ્યો હતો. તે દરમિયાન બલીઠા હાઈવે પર વુડલેન્ડ હોટલ નજીક પૂરઝડપે દોડી રહેલી અજાણી બીએમડબલ્યુ કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં નીતિન બાઈક સમેત રોડ પર પટકાતાં માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
ઘટના બાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી જઈ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાઈવે પર થયેલા અકસ્માતને લઈ થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી. વાપી ટાઉન પોલીસે મૃતકના ભાઈ તુલસી સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. મૃતક નીતિન સોલંકી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો.
પરિવારના સભ્યો પાસેના રૂા.૩૫ હજાર ચોરાઇ ગયા
અકસ્માતની જાણ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે જવા નીકળ્યા હતા. અને પૈસાની જરુર પડશે તેમ માની  પરિવારના સભ્યોએ રૂા.૩૫ હજારથી વધુ રૂપિયા સાથે લીધેલા હતા. જોકે સ્થળ પર નીતિન મૃત્યુ પામ્યો હોવાનું માલુમ પડતાં પરિવારના સભ્યો ત્યાં જ ભાંગી પડયા હતા. લાશને એમ્બ્યુલન્સમાં લઈ જતી વેળા પરિવારના બે સભ્યો પાસે રહેલા અંદાજે રૂા.૩૫ હજાર અહી ટોળામાંથી કોઈકે તફડાવી લીધા હતા.
કાર સેલવાસ પાર્સિંગની, ડ્રાઇવર ચલાવતો હતો
બલીઠા હાઈવે પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારનો નંબર (ડીએન-૦૯-કે-૦૭૦૨) નીકળ્યો હતો. જેથી મૃતકના પરિવારજનોએ કારના નંબરના આધારે તેના માલિકની શોધખોળ કરી તેમને ફોન કર્યો હતો. કારમાલિકે જણાવ્યું હતું કે કાર તેમના ડ્રાઈવર પાસે હતી. જેથી તેઓ કાર અને ડ્રાઈવર બંનેને પોલીસ સમક્ષ હાજર કરશે તેવી ખાતરી આપી હતી.
પોલીસે રિપોર્ટ નહી કરતા પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ ૬ કલાક રઝળ્યો
વાપીના બલીઠા હાઈવે પર સવારે ૮:૩૦ કલાકે બનેલા અકસ્માતની પોલીસને જાણ કર્યા બાદ મૃતકની લાશને ચલા સીએચસી પર પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. મૃતકના પોસ્ટમોર્ટમ માટે પોલીસ રિપોર્ટ જરૂરી હોય છે. પરંતુ સવારે બનેલી ઘટના બાદ પણ પોલીસ ત્રણ વાગ્યા સુધી રિપોર્ટ આપી નહીં શકતાં મૃતકની લાશ એમ જ પડી રહી હતી. સાથે પીએમ કરનારા ડોક્ટર પણ સાંજે ૪ વાગ્યા બાદ આવતાં સવારની બનેલી ઘટનામાં પોલીસ અને ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે મૃતકનું પીએમ છેક સાંજે થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મૃતકની લાશને માદરે વતન મોરબી લઈ જવાનો હોવાથી પરિવારજનો દ્વારા વારંવાર પોલીસ તેમજ ડોક્ટરને વિનંતી કરવા છતાં લાલિયાવાડી કારણે પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *