સરકારને જરૃર લાગે ત્યારે વિવિધ મોબાઈલ કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયા એપ (એપ્લિકેશન) બ્લોક કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે.
જુલાઈ મહિનામાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે આ અંગે વિવિધ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, ઈન્ટરનેટ પ્રોવાઈડર અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સહિતના પક્ષકારોને પત્ર લખીને તેમનો અભિપ્રાય મંગાવ્યો છે.
પત્રમાં લખ્યા પ્રમાણે સરકાર રાષ્ટ્રની સુરક્ષાને ખતરો હોય કે પછી લોકો બેકાબુ બની શકે એમ હોય એવા સંજોગોમાં ફેસબૂક, વૉટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, મેસેન્જર વગેરે એપ બ્લોક કરવા માંગે છે.
ભારતના આઈટી એક્ટની કલમ ૬૯-એ હેઠળ સરકાર આ પગલું ભરવા માંગે છે. અલબત્ત, હજુ માત્ર સરકાર વિચારણા કરે છે, કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ ભૂતકાળમાં તોફાનો વખતે સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના પગલા લીધેલા છે. પરંતુ એ વખતે સરકારને લોક-રોષનો સામનો કરવો પડયો હતો.
આઈટી એક્ટની આ કલમ હેઠળ સરકાર લોકો સુધી કોઈપણ કમ્પ્યુટર સોર્સ દ્વારા પહોંચતી માહિતી અટકાવી શકે છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે દેશની સુરક્ષા, એકતા, અખંડિતતાનો સવાલ હોય ત્યારે, લોકોનો ગુસ્સો બેકાબુ બન્યો હોય એવા સંજોગોમાં સરકાર આવું પગલું લઈ શકે કે કેમ એ વિચારણા કરી રહી છે.
વૉટ્સએપ સહિતના સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા છેલ્લા ઘણા સમયથી ફેક ન્યુઝ (બનાવટી સમાચાર) ફેલાવવાનું પ્રમાણ વધ્યુ છે. સરકારે તેના પર કાબુ મેળવવા વૉટ્સએપને સૂચના આપી રાખી છે. પરંતુ એટલા પગલાં પૂરતા નથી. માટે સરકાર પોતાના તરફથી શું થઈ શકે એ વિચારે છે.
મોટા ભાગની સોશિયલ મીડિયા કંપનીઓના સર્વર ભારતની બહાર હોવાથી સરકારનો તેમના પર પૂર્ણપણે કાબુ નથી. એટલે સરકાર પોતાના હાથમાં હોય એવા હથિયાર અજમાવવા વિચારી રહી છે. વૉટ્સએપ-ફેસબૂકના આ વલણથી સરકાર નારાજ પણ છે.
ફેસબૂક પર ડેટા લિકનો તો વૉટ્સએપ પર ફેક ન્યુઝ ફેલાવાનો આક્ષેપ છે. એ પછી બન્ને કંપનીઓને સરકારે નોટીસ પાઠવી છે. પરંતુ સરકાર એટલેથી અટકવા માંગતી નથી. માટે વિવિધ પગલાંની વિચારણા થઈ રહી છે
ફેસબુક, ઈન્સ્ટા, વૉટ્સએપ જેવી મોબાઈલ એપ બ્લોક કરવા સરકારની વિચારણા
Views 73