મોદી રાજમાં દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે, વિદેશી રોકાણકારો ભારતમાં ઈન્વેસ્ટ કરવા માટેની તકો શોધી રહ્યાં છે અને આગામી ભવિષ્ય માત્ર ભારતમાં જ હશે તેવા કેન્દ્ર સરકારના પાયાવિહોણા નિવેદનોને ખોટો પાડતો વધુ એક સર્વે આજે બહાર આવ્યો છે.છેલ્લા એક વર્ષમાં મોદીના રાજના ભારતના અર્થતંત્ર પર લોકોનો વિશ્વાસ ગત વર્ષના ૮૩%થી ઘટીને માત્ર ૫૬%એ ઉતર્યો છે. આમ જોવા જઈએ તો કુલ ૨૭%નો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ, ૮૩%ની સાપેક્ષે નજર નાખીએ તો ૩૩%(૮૩થી ઘટી ૫૬%) સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, તેમ Pew રીસર્ચ રીપોર્ટ સેન્ટરના એક રીપોર્ટમાં જણાવાયું છે.
વિશ્વના ટોચના ૨૭ દેશોમાં હાથ ધરવામાં આવેલ આ સર્વેમાં લોકોને પૂછવામાં આવેલ સવાલ ‘દેશના અર્થતંત્ર પર તમારો વિશ્વાસ કેટલો છે તેના જવાબમાં મળેલ આંકડાઓને આધારે આ રીપોર્ટ તૈયાર કરાયો છે. ૨૦૧૭માં ૮૩% ભારતીયોએ ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વ્યકત કર્યો હતો, જે આ વર્ષે ઘટીને ૫૬% જ રહ્યો છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં જેટલા લોકોને દેશની અર્થવ્યવસ્થા પરથી વિશ્વાસ ઘટયો છે તેટલો જ વિશ્વાસ સરકારની નાણાંકીય નીતિઓ પરથી ઘટયો છે. ચૂંટણીના વર્ષમાં લોકોના ભરોસામાં ઘટાડો મોદી સરકાર માટે ચિંતાનું કારણ છે.
રસપ્રદ આંકડો એ પણ છે કે સર્વેમાં આવરી લેવાયેલ દેશોમાં સૌથી વધુ ઘટાડો(૨૭%) ભારતમાં જ છે, ત્યારબાદ બીજા ક્રમે તુનિસિયાના અર્થતંત્ર પર ગત વર્ષની સરખામણીએ ૧૧% લોકોનો વિશ્વાસ ઘટયો છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ડોલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો ઉપરાંત જીએસટી અને નોટબંધીની અસર આનુ કારણ માનવામાં આવે છે. સર્વે અનુસાર ભારત સિવાય મોટા ભાગના ૨૬ દેશોની અર્થ વ્યવસ્થામાં લોકોનો ભરોસો વધ્યો છે.
આ સંસ્થા પાસે ૨૦૦૯થી ૨૦૧૭ના આંકડાઓ નથી અને તેના પર તેમણે રીપોર્ટ પણ નથી બનાવ્યો એટલેકે ૨૦૧૮ના મોદી સરકારના આંકડાઓને કોંગ્રેસની ગઠબંધનની યુપીએ સરકાર સાથે સરખાવવા યોગ્ય નથી. જોકે મોદી સરકારના કાર્યકાળના બે વર્ષના આંકડાની સરખામણી તો શક્ય છે જ.
મોદીના રાજમાં અર્થતંત્ર પરના વિશ્વાસનું થયેલું પતન,લોકોનો વિશ્વાસ ગત વર્ષના ૮૩%થી ઘટીને માત્ર ૫૬%એ ઉતર્યો
Views 60