રાજકોટ શહેરમાં જૂની મીઠાઈને રીફ્રેશ કરીને વેચવાનું કારસ્તાન ઝડપાયું

Views 271

  • સ્વાદથી નહીં પણ બેક્ટેરિયાથી ભરપૂર મીઠાઈ
  •  જે.કે. સ્વિટ અને જલારામ જાંબુવાળાને ત્યાં કુલ 180 કિલો મીઠાઈનો નાશ

રાજકોટ શહેરમાં તહેવારો પર કેટલાંક ઉત્પાદકો વાસી તેમજ અખાદ્ય મીઠાઈ લોકોને પધરાવી દેતા હોય છે. જયારે મનપા સમયસર તે વસ્તુનું સેમ્પલિંગ ના કરતી હોવાથી ઘોડા નાસી ગયા પછી તબેલે તાળાં દેવા જેવો ઘાટ સર્જાતો હોય છે. ત્યારે આ વખત દશેરા પર જ ઘોડું દોડાવાતું હોય એમ બીજા નોરતે તપાસ આદરીને બે સ્થળે જૂની મીઠાઈને રીફ્રેશ કરીને વેચવાનું કારસ્તાન પકડી લેવામાં આવ્યું છે. રાજકોટ શહેરના ભોળાં અને અજાણ શહેરીજનો ચોક્કસ સ્થળેથી મળતી મીઠાઈ તો શુધ્ધ જ હોય તેવું માનીને ત્યાંથી કિલોમોઢે ખરીદી કરતા હોય છે, પરંતુ તેમાં પણ છેતરાઈ જવાની અને બીમાર પડવાની ભીતિ નકારી શકાતી નથી એવું જ આજના દરોડા પરથી નક્કી કરી શકાય છે. રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગે જામનગર રોડ પર આવેલ શેઠનગર શોપિંગ સેન્ટરમાં આવેલી જય ખોડિયાર ડેરી ફાર્મના માધાપર-નંદનવન સોસાયટી સ્થિત ઉત્પાદન યુનિટ જે.કે. સ્વિટમાં ચકાસણી કરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે જૂની અને વણવપરાયેલી મીઠાઈનો જથ્થો અહીં કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જથ્થાને જ રીફ્રેશ કરીને ફરીથી માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવવાનું હતું. તેમજ તે જગ્યાએથી વાસી તથા અખાદ્ય અંજીર બરફી, ચોકલેટ બરફી તેમજ અન્ય મીઠાઈ બિન આરોગ્યપ્રદ રીતે સ્ટોર કરવામાં આવ્યું હતું. આ જથ્થો ફરીથી ઉપયોગમાં ન લેવાય એ માટે ૧૧૦ કિલો મીઠાઈનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર રોડના માધાપર ગેઈટ પાસે આવેલ ભવનાથ પાર્ક ખાતે શ્રી જલારામ જાંબુવાળાને ત્યાં ચકાસણી કરાતાં ત્યાં પણ ફ્રીઝમાં સંગ્રહિત મીઠાઈનો જથ્થો રીફ્રેશ કરીને પુનઃ માર્કેટમાં વેચાણ માટે રખાયાનું જણાતાં વાસી તથા અખાદ્ય પેંડા, કેસર પેંડા, થાબડી, બરફી તેમજ અંગુર પનીર વગેરેનો ૭૦ કિલોનો જથ્થો ઉપરાંત એક્સપાયરી થઈ ગયેલા ૩ કિલો ફૂડ કલરનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ મનપાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે જે.કે. સ્વિટમાં રોજનું ૮૦ કિલો તેમજ જલારામ જાંબુવાળા દ્વારા રોજનું ૫૦ થી માંડીને ૬૦ કિલો ઉત્પાદન કરવામાં આવતું હતું. જયારે બંને સ્થળેથી અનુક્રમે ઓરેન્જ ચમચમ તેમજ મોતીચૂર લાડુનાં નમૂના પણ લેવામાં આવ્યા છે. તેમજ હાયજિનિક સ્ટોરેજ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે. નમૂના જો સબ સ્ટાન્ડર્ડ ખૂલે તો ૫ લાખ સુધીના દંડની તેમજ અન સેઈફ નીકળે તો પણ દંડ ઉપરાંત ૬ માસની જેલસજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. એક વાર દૂધ ગરમ કર્યા પછી તેમાંથી મીઠાઈ બનવવામાં આવે, ત્યારબાદ તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે, ત્યારબાદ ફરી ગરમ કરવામાં આવે એમ વારંવારના ટેમ્પ્રેચર ડિફરન્સના કારણે તેમાં બેક્ટેરિયલ ગ્રોથ વધી જતો હોય છે, અને જો તેવી વસ્તુ ખાવામાં આવી જાય તો ફૂડ પોઈઝનિંગ તેમજ ઝાડા ઉલ્ટી થવાની સંભાવના વધી જાય છે.

ત્યારે અવાર-નવાર આવા કિસ્સા સામે આવતા જ હોય છે. આવા કિસ્સામાં ફેકી દેવાપાત્ર મીઠાઈમાંથી પણ આવક મેળવવા માટે કેવાં કેવાં નુસખાં કરાતા હોય તે બાબતે મનપાના ડેઝિગ્નેટેડ ઓફિસર અમિત પંચાલે કહ્યું હતું કે, દ્રષ્ટાત તરીકે જોઈએ તો રક્ષાબંધન પર બનાવેલી પરંતુ નહીં વેચાયેલી મીઠાઈ કોલ્ડ સ્ટોરેજમાં સાચવીને નવરાત્રિ તેમજ દશેરા નિમિત્તે બહાર કાઢી ગરમ કરી વેંચી દેવામાં આવે છે, જેવી મોડસ ઓપરેન્ડી ઉપરાંત કેટલાંક ઉત્પાદકો જૂનો તેમજ નવો માવો મિક્સ કરીને કલર ભેળવી મીઠાઈ બનાવવાનું અથવા જૂના-વધેલા પેંડામાં કલર મિક્સિંગ કરી થાબડી બનાવી નાખવાનું પણ ચૂકતાં નથી! આ રીતે ‘ફ્રેશ’નાં નામે વાસી મીઠાઈ વેચાણમાં મૂકીને ગેરરીતિ છૂપાવવા ચોકી ઉપર મીઠાઈ કઈ તારીખે બની એ દર્શાવી દેવામાં આવે છે!

રિપોર્ટર – ઈલા મારૂ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *