ડીસા તાલુકામાં આવેલા ગલાલપુરા આખોલ ગામની યુવતીને થરાદ તાલુકાના રાહ ગામે રહેતા તેના સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના આખોલના ગલાલપુરાની યુવતીના લગ્ન થરાદ તાલુકાના મેઘપુરા રાહ ગામે રહેતા દશરથજી કપૂરજી પ્રજાપતિ સાથે થયા હતા. લગ્ન સમયે તેણીના પરિવારજનોએ સામાજિક રીત રિવાજ મુજબ કરિયાવર પણ આપ્યું હતું તેમ છતાં થોડા સમય બાદ તેના સાસરિયાઓએ ફરીથી દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ લગ્નના થોડા સમય બાદ દશરથને ગુજરાત ફર્ટીલાઇઝર્સ કેમિકલ કંપનીમાં નોકરી લાગતા તેણે પત્નીને “તું કાળી છે અને મને ગમતી નથી મારા સ્ટેટસ અને નોકરી પ્રમાણે તને મારી સાથે રાખતા પણ શરમ આવે છે” તેવું કહીને છુટાછેડા લેવા માટે શારીરિક તથા માનસિક ત્રાસ આપીને મારઝુડ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ યુવતીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા સમાજના આગેવાનોને બોલાવી સમાધાનના પ્રયાસો કરવા બોલાવ્યા હતા. પરંતુ તેના સાસરીયા ત્યાં આવ્યા જ નહીં. બાદમાં સાસરિયાઓએ ગલાલપુરા ગામે આવી યુવતી અને તેના પરિવારજનો પર હુમલો કરી મારઝુડ કરી હતી. જે મામલે યુવતીના પતિ દશરથજી કપૂરજી પ્રજાપતિ, સસરા કપૂરજી સવાજી પ્રજાપતિ, સાસુ બક્ષુબેન પ્રજાપતિ અને દિયર નારણજી પ્રજાપતિ સામે ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર – વિરમભાઇ ઠાકોર