નરાધમ ઝડપાયો:રાજકોટમાં ચાલુ બસમાં તરુણી પર દુષ્કર્મ ગુજારનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી, દારૂ અને જુગારનું કનેક્શન ખૂલ્યું
રાજકોટ શહેરમાં 16 વર્ષની સગીરાને 500 રૂપિયા તેમજ નવો મોબાઇલ ફોન લઇ આપવાની લાલચ આપી ખાનગી બસમાં સ્લીપર કોચમાં ચોટીલા લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ઘટનામાં એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આરોપી હનીફ આરબ (ઉ.વ.35) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*રોકડ અને મોબાઈલની લાલચ આપી હતી
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે મહિનાનો દિકરો દાખલ હોઇ તેની સારવાર માટે સંતાનો સાથે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ કેટલાક દિવસોથી રહેતી મહિલાની 16 વર્ષની દિકરી તેના બે નાના ભાઇઓ સાથે મંગળવારે રાત્રીના હોસ્પિટલ બહાર લોટરી બજાર પાસે જમવાનું લેવા ગઇ ત્યારે ત્યાં ભેટી ગયેલા હવસખોર હોન્ડાચાલકે બાળા અને તેના બે ભાઇઓને ફેરવવાના બહાને હોન્ડામાં બેસાડી રેસકોર્ષ લઇ જઇ ચક્કર મરાવી બાદમાં બાળાને ચોટીલા ફરવા જવું છે તેમ કહી તેના ભાઇઓને હોસ્પિટલે ઉતારી બાળાને ગ્રીનલેન્ડ ચોકડીએ લઇ જઇ ત્યાં બાઇક રાખી એક સ્લીપર કોચ બસમાં બાળાને બેસાડી ચાલતી બસે આ સગીરાને પહેલા રોકડ અને નવા મોબાઇલ ફોનની લાલચ આપી બાદમાં બળજબરીથી તેણીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બનાવની ફરિયાદ એ-ડિવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે બાળાની માતાની ફરિયાદ પરથી હનીફ આરબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*ત્રણેય જમવાનું લેવા માટે હોસ્પિટલની બહાર ગયા
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા ચાર દિકરા અને બે દિકરી સાથે રહુ છું અને કારખાનામાં કામ કરુ છું. મારા પતિ ચારેક મહિનાથી અમને છોડીને બીજે રહેવા જતાં રહ્યા છે. પચ્ચીસેક દિવસ પહેલા મારા સોૈથી નાના બે મહિનાના દિકરાને આંચકી ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં બાળકોના વિભાગમાં તેને દાખલ કર્યો હતો. તેને રજા અપાઇ ન હોઇ અમે બધા સિવિલ હોસ્પિટલે જ રહેવા આવી ગયા હતાં. મંગળવારે 19 જુલાઈ ના રાતે અમારે જમવાનું બાકી હોઇ જેથી મારી 16 વર્ષની દિકરી અને 13 તથા 7 વર્ષના બે દિકરા એમ ત્રણેય જમવાનું લેવા માટે હોસ્પિટલની બહાર ગયા હતાં. રાતે સાડા અગિયારેક વાગ્યે મારા બે દિકરા મારી પાસે આવી ગયા હતાં પણ દિકરી આવી નહોતી.
*…ત્યારે દિકરી મળી હતી
આ દિકરાઓએ વાત કરી હતી કે અમે ત્રણેય ભાઇ બહેન જયુબીલી શાક માર્કેટ પાસે જમવાનું લેવા ગયા હતાં ત્યાં એક હોન્ડાવાળો ભાઇ આવ્યો હતો અને બહેન સાથે તેણે વાત કરી હતી. એ પછી તેણે અમને ત્રણેય ભાઇ-બહેનને હોન્ડામાં બેસાડી રેસકોર્ષ તરફ લઇ જઇ ચક્કર મરાવી હતી અને પાયો દવાખાને આવી અમને બે ભાઇને ઉતારીને બહેનને સાથે લઇ જતો રહ્યો છે. આથી મેં તુરત દવાખાના બહાર જઇ તપાસ કરી હતી પરંતુ મારી દિકરી જોવા મળી નહોતી.ત્યારબાદ મેં હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં જઇ વાત કરી હતી. આથી પોલીસવાળા મારી સાથે મારી દિકરીને શોધવા આવ્યા હતા. રાતના અઢી ત્રણ વાગ્યા આસપાસ હું અને પોલીસ સિવિલમાં બાળકોના વિભાગ પાસે આવ્યા ત્યારે દિકરી મળી હતી.
*અમને રેસકોર્ષમાં લઇ ગયો હતો
મારી દિકરીને ક્યાં ગઇ હતી? શું થયું હતું? તે અંગે પુછતાં તેણીએ કહ્યું હતું કે- હું ભાઇઓને લઇ જમવાનું લેવા લોટરી બજાર પાસે ગઇ ત્યારે એક હોન્ડાવાળો મળતાં તેણે કહેલું કે તું મારી સાથે આવ તો તને ફરવા લઇ જઇશ અને પૈસા પણ વાપરવા આપીશ. જેથી હું અને બંને ભાઇઓ તેની સાથે હોન્ડામાં બેસી જતાં તે અમને રેસકોર્ષમાં લઇ ગયો હતો. જ્યાં એ ભાઇએ મને કહેલું કે આપણે તારા બેય ભાઇને દવાખાને ઉતારીને ચોટીલા ફરવા જઇએ. એ પછી તે દવાખાનાના દરવાજે અમને લાવ્યો હતો અને બંને ભાઇને ઉતારી મને તેની સાથે હોન્ડામાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી તરફ લઇ ગયો હતો. ત્યાં તેનું હોન્ડા રાખી દીધું હતું અને કહેલું કે હવે આપણે ટ્રાવેલ્સમાં ચોટીલા જઇએ. એ પછી અમે એક બસમાં ચડી ગયા હતાં. જેમાં પહેલા માળે સુવાની સીટ ખાલી હોઇ ત્યાં મને સુવાનું કહેતાં હું સુઇ ગઇ હતી.
*હું અહિ બેઠી હતી
થોડીવાર પછી એ ભાઇ પણ આ સીટીમાં મારી સાથે આવી ગયો હતો અને રૂ. 500 આપીશ તેમ કહી મારી પાસે ખરાબ માંગણી કરતાં તેણે મને નવો મોબાઇલ ફોન લઇ દેવાની વાત કરી હતી. મેં ફોન લેવાની પણ ના પાડતાં તેણે મારા શરીરે હાથ ફેરવવાનું ચાલુ કર્યુ હતું અને મારી સાથે ખરાબ કામ કરવા લાગ્યો હતો. થોડી વાર પછી મને કપડા પહેરવાનું કહ્યું હતું અને તેણે પણ પેન્ટ પહેરી લીધું હતું. એ પછી મને આ ભાઇએ સીટની નીચે ઉતારી હતી અને ડ્રાઇવરને કહી બસ ઉભી રખાવી હતી. એ પછી અમે ઉતરી ગયા હતાં અને ત્યાંથી એ ભાઇએ એક ગાડી ઉભી રખાવી હતી અને ભાડે કરી તેમાં બેસી મને ફરીથી ગ્રીનલેન્ડ ચોકડીએ લાવ્યો હતો અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં ઉતારી જતાં હું અહિ બેઠી હતી.
*અગાઉ પણ ગુનાની સંડોવણી ખુલી
દિકરીની આ કેફીયત તેણીએ માતાને જણાવતાં દીકરીની માતાની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુધ્ધ આઇપીસી 363, 376 (જે), અને પોક્સોની કલમ હેઠળ અપહરણ-બળાત્કારનો ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપો હનીફ આરબ જામનગર રોડ પર રહે છે અને અગાઉ પણ તે મારામારી, પ્રોહિબિશન, જાહેરનામા ભંગ સહીત 4 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે ત્યારે હાલ પોલીસે પોક્સો અને દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધી મેડિકલ ચેકપ કરાવી વધુ તપાસ હાથ ધરી છે..
અહેવાલ – ઈલા મારૂ