ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે શૂટર રાહી સર્નોબતે ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવતા ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
આ સાથે ૧૮માં એશિયાડમાં ભારતના ૪ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૮ બ્રોન્ઝ એમ કુલ ૧૫ મેડલ્સ થઈ ગયા છે. ભારતીય મેન્સ હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ તરફ આગેકૂચ કરતાં ગૂ્રપ મેચમાં હોંગ કોંગને ૨૬-૦ના રેકોર્ડ સ્કોરથી કચડી નાંખ્યું હતુ. આ સાથે ભારતે તેના હોકી ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સૌથી મોટા અંતરના વિજયનો ૮૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
ભારતીય મેન્સ હોકી ટીમે ૧૯૩૨ના ઓલિમ્પિકમાં અમેરિકાને ૨૪-૧થી કચડી નાંખ્યું હતુ. જે આજ દિન સુધી ભારતનો સૌથી મોટા માર્જિનનો વિજય હતો. ભારતે આ ઉપરાંત એશિયન ગેમ્સમાં હાઈએસ્ટ માર્જિનથી વિજય મેળવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ભારતના કુલ ૧૪ ખેલાડીઓએ ગોલ સ્કોરર તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતુ.
સૌથી વધુ પાંચ ગોલ રૂપિન્દર પાલ સિંઘે નોંધાવ્યા હતા. જ્યારે હરમનપ્રીત સિંઘે ચાર અને આકાશદીપ સિંઘે ત્રણ ગોલ નોંધાવ્યા હતા. લલીત ઉપાધ્યાય, વરૂણ કુમાર અને મનપ્રીત સિંઘે બે-બે તેમજ એસ.વી. સુનિલ, સુરેન્દર કુમાર, વિવેક સાગર પ્રસાદ, અમિત રોહીદાસ, ચિંગ્લેન્સાના કાન્ગુજમ, મનદીપ સિંઘ, સિમરનજીત સિંઘ અને દિલપ્રિત સિંઘે એક-એક ગોલ નોંધાવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય હોકીમાં સૌથી મોટા અંતરનો વિજય ન્યુઝીલેન્ડના નામે નોંધાયેલો છે. જેણે ૧૯૯૪માં સામોઆને ૩૬-૧થી હરાવ્યું હતુ. ભારતનો આ એશિયન ગેમ્સમાં સૌથી મોટા અંતરનો વિજય છે. અગાઉ ભારતે ૧૭-૦થી ઈન્ડોનેશિયાને હરાવીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. ભારતનો અગાઉનો એશિયાડનો સૌથી મોટા અંતરનો વિજય ૧૯૮૨માં બાંગ્લાદેશ સામે નોંધાયો હતો, ત્યારે ભારત ૧૨-૦થી જીત્યું હતુ.
ભારતીય હોકી ટીમે હોંગકોંગને 26-0થી હરાવ્યું: 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો
Views 70