હિંમતનગરની સિવિલમાં એક અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. જેમાં શરીરથી બહાર હૃદય સાથે એક બાળકનો જન્મ થયો છે. જેનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તબીબો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 10 લાખે આવો 1 કેસ નોંધાતો હોય છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આ કિસ્સો સામે આવ્યો છે
આ વિશે જાણવા મળી રહ્યું છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ગાયેનક વિભાગમાં મંગળવારે શરીરની બહાર હૃદય સાથે એક નવજાતનો જન્મ થયો છે. પરંતુ કેસને જોતા તાત્કાલિક ધોરણોએ ડોક્ટરોએ અમદાવાદ યુએન મહેતામાં વધુ સારવાર માટે ખસેડાયું હતું. સિવિલમાં પ્રથમ વખત આવા બાળકનો જન્મ થતાં કુતૂહલ પેદા થયું છે.

લોકોને આશ્ચર્ય લાગે તેવી ઘટનામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ બાળકના શરીરની બહાર હૃદય સાથે જન્મવાની સ્થિતિને એક્ટોપીઆ – કો રડીસ તરીકે ઓળખાય છે. જેમાં 10 લાખ બાળકે આવો એકાદ કેસ જોવા મળતો હોય છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમે બાળકને યુ.એન. મહેતામાં રિફર કરાયું છે. જ્યાં સર્જરી કરીને શરીરમાં યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાશે. નવજાત જન્મના થોડા સમયમાં આ ઓપરેશન કરી શકાય છે. બાળક ઓપરેશન રૂમ સુધી ન પહોંચે ત્યાં સુધી હૃદયની બહારની સપાટી સૂકાઈ જાય નહી અને ઇન્ફેક્શન ન લાગે એની કાળજી ખાસ લેવી પડે છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે વધુમાં ઉમેર્યું હતું કે મહદંશે આવી સર્જરીમાં સફળતા મળી રહી છે. બાળકના આ આશ્ચર્યજનક કેસમાં બાળકનાં માતા-પિતાને પણ લગભગ આ બાબત જાણ હતી.