આઈપીએલના બીજા તબક્કામાં ભારતના બે ટોચના હિટમેન ગણાતા રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમો ટકરાઈ હતી. આ હાઈ પ્રોફાઈલ મેચમાં બેંગ્લોરને ૫૪ રને વિજય થયો હતો. મુંબઈએ ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ માટે આવેલી બેંગ્લોરની ટીમે ૧૬૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શરૃઆતમાં સૌથી વધુ ફોેર્મમાં રહેનારો ઓપનર પડ્ડિકલ શૂન્ય રને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે શ્રીકર અને કોહલીએ તોફાની ૬૮ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ કોહલી (૫૧) અને મેક્સવેલે(૫૬ વચ્ચે ૫૧ રનની ભાગીદારી નોંધાઈ હતી. આ દરમિયાન કોહલીએ અડધી સદી પણ ફટકારી હતી. તેણે ૪૨ બોલમાં ૩ ફોર અને ૩ સિક્સની મદદથી ૫૧ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ મેક્સવેલે પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી હતી અને તેણે ૩૭ બોલમાં ૫૬ રન નોંધાવ્યા હતા. બુમરાહે મહત્ત્વની
વિકેટો અપાવીને બેંગ્લોરનો સ્કોર કાબુમાં રાખ્યો હતો.
બીજી તરફ બોલિંગમાં બેંગ્લોરના બોલર્સ ત્રાટક્યા હતા. હર્ષલ પટેલની હેટ્રિક સહિતની ૪ વિકેટ તથા ચહલની ૩ અને મેક્સવેલની ૨ વિકેટે મુંબઈને ધરાશાયી કરી દીધું હતું. મુંબઈ ૧૧૧માં તંબું ભેગું થઈ ગયું હતું.
કોહલીનો ૧૦,૦૦૦ રનનો વિરાટ રેકોર્ડ
વિરાટ કોહલીએ મુંબઈ સામેની મેચ દરમિયાન અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૧૦,૦૦૦ રન પૂરા કરી લીધા હતા. બુમરાહની ઓવરમાં સિક્સ મારીને તેણે આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટી-૨૦માં ૧૦,૦૦૦ રન પૂરા કરનારો કોહલી ભારતનો પહેલો અને વિશ્વનો પાંચમો ખેલાડી છે. વિરાટની પહેલાં ક્રિષ ગેલ, ક્રેયન પોલાર્ડ, શોએબ મલિક અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ હાંસલ કરેલી છે.