ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું
ગરીબી, બેકારી અને આર્થિક સંકળામણમાં હોમાતી જિંદગીઓ
સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આપઘાતનું પ્રમાણ બમણું
પરીક્ષામાં નાપાસ થતાં 162 વિદ્યાર્થીઓની આત્મહત્યા, ડ્રગ્સ અને દારૂનું સેવન કરનારા 77 વ્યક્તિઓએ પણ મોત વહાલું કર્યું. ગુજરાતમાં સામૂહિક આપઘાતની 3 ઘટના બની, 13 લોકોએ જીવ ગુમાવ્યા
સમૃધ્ધ કહેવાતા ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ગરીબી, બેરોજગારી, પારાવારિક ઝઘડા, ધંધામાં ખોટ, પરીક્ષામાં અસફળતા, લગ્નેત્તર સબંધો, પ્રેમ પ્રકરણ, મેરેજ સબંધિત ઈશ્યુ, દેવું અને કેરિયરની ચિંતા સહિતની સમસ્યાઓને લઈ વર્ષ 2020માં 8,050 વ્યક્તિઓએ જિંદગીની સફર અધવચ્ચેથી પુરી કરી દીધી હતી. જ્યારે વર્ષ 2019માં 7,655 લોકોએ આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આપઘાતની ઘટનાઓમાં ટકાવારી 5.02 રહી હતી. આપઘાત કરનારા લોકોમાં 18થી 60 વર્ષની વયના વધુ હતા. જ્યારે દેશના સૌથી મોટા સ્ટેટ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2020માં આત્મહત્યાના કેસમાં -12.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આપઘાતના કિસ્સામાં મળેલા સત્તાવાર ડેટા મુજબ ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2020માં પરીક્ષામાં નાપાસ થતાં 82 વિદ્યાર્થી અને 80 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરી હતી. જેમાં મેટ્રો સિટી અમદાવાદમાં 20, સુરતમાં 41 અને વડોદરાના 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. નપુસંકતા અને વંધ્યત્વના કારણે પણ પાંચ યુવક અને 18 યુવતીઓએ જીવન લીલા સંકેલી લીધી હતી. મેરેજ સહિતના અન્ય કારણોને લઈ 43 પુરુષ અને 31 સ્ત્રીઓએ અંતિમ પગલું ભર્યું હતું. જ્યારે ફેમિલી ઈશ્યુના કારણે 1,330 પુરુષ અને 830 મહિલાઓએ સ્યુસાઈડ કરી હતી. જેમાં અમદાવાદમાં 75, રાજકોટમાં 118, સુરતમાં 432 અને વડોદરામાં 36 લોકોનો સમાવેશ થતો હતો.
બિમારી સહન નહીં થતાં તેનાથી કાયમી છુટકારો મેળવવા 1,1158 પુરુષ, 556 સ્ત્રી, એક ટ્રાન્સજેન્ડરે જીવાદોરી ટૂંકાવી હતી. આ મૃતકોમાં અમદાવાદના 182, રાજકોટના 86, સુરતના 178 અને વડોદરાના 55 વ્યક્તિઓ હતા.
એઈડ્સ જેવી જીવલેણ બિમારીના કારણે પણ 9 પુરુષ, 3 સ્ત્રી અને એક ટ્રાન્સજેન્ડર જિંદગીનો જંગ સામે ચાલીને હારી ગયા હતા. ડ્રગ અને દારૂનું સેવન કરનારા 77 વ્યક્તિઓએ આત્મહત્યા કરવાનું દુઃસાહસ કર્યું હતું. જેમાં 70 પુરુષ અને 7 મહિલાઓ હતી. આ મૃતકોમાં અમદાવાદના 17, સુરતના 06 અને વડોદરાના 07 વ્યક્તિ હતા.સામાજિક પ્રતિષ્ઠા ખરડાતા 49 પુરુષ અને અને 4 મહિલાએ મોતને વ્હાલુ કર્યું હતું. જેમાં અમદાવાદમાં 02, સુરતમાં 09 વ્યક્તિનો સમાવેશ થાય છે. લવ અફેરમાં પણ 348 પુરુષ, 267 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડરે આત્મહત્યા કરી હતી. જેમા અમદાવાદમાં 19, રાજકોટમાં 50, સુરતમાં 16 અને વડોદરામાં 07 વ્યક્તિઓ હતા.
કાળઝાળ મોંઘવારીમાં ગરીબીના કારણે ગુજરાતમાં 171 વ્યક્તિઓએ મરવા માટે મજબુર થવું પડયું હતું. મૃતકોમાં 152 પુરુષ અને 19 સ્ત્રીઓ હતી. આ હતભાગીઓમાં સુરતના 6 અને વડોદરાના ચાર વ્યક્તિ હતા. બેરોજગારીના કારણે 229 વ્યક્તિએ જિંદગીની સફર અધ્ધવચ્ચેથી પુરી કરી દીધી હતી. જેમાં 221 પુરુષ અને 8 મહિલાઓ હતી. આ મૃતકોમાં અમદાવાદના 33 પુરુષ, સુરતના બે અને વડોદરાના 23 હતા. પ્રોપર્ટી ડિસ્પ્યુટમાં પણ 19 જિંદગીઓ હોમાઈ હતી.
જેમાં 14 પુરુષ અને 5 સ્ત્રી હતી. વર્ષ 2020માં સામુહિક (ફેમિલી) સ્યુસાઈડની ગુજરાતમાં 3 ઘટના બની હતી. જેમાં 13 લોકોએ જીવન લીલા સંકેલી લીધી હતી. મૃતકોમાં ચાર પરણીત અને 9 અપરણીત હતા. સમૃદ્ધ ગુજરાતની આ વરવી વાસ્તવિકતા હૃદયને હચમચાવનારી છે.
ગુજરાતમાં સોશિયલ ઈશ્યૂના કારણે 1,999 લોકોએ જીવન લીલા સંકેલી
સોશિયલ ઈશ્યૂના કારણે ગુજરાતમાં કુલ 1,999 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. જેમાં 1,296 પુરુષ અને 701 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે ટ્રાનસજેન્ડરે પણ જીવન લીલા સંકેલી લીધી હતી. સામાજિક કારણોસર સૌથી વધુ આપઘાતના કિસ્સા મહારાષ્ટ્રમાં 4,637, એમપીમાં 4,129, તામિલનાડુમાં 3,889, કર્ણાટકમાં 2,873 અને વેસ્ટ બંગાલમાં 2,500 અને છત્તીસગઢમાં 2,114 નોંધાયા હતા. આ યાદીમાં યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિસ્સા, રાજસ્થાન, હરિયાણા, ગોવા અને કેરાલામાં આપઘાતની ટકાવારી ઓછી જણાઈ છે.
ગરીબી-બેરોજગારીથી દેશમાં 5,449નો આપઘાત
ગરીબ હોવું એ અભિશાપ નથી, પરંતુ અથાગ પ્રયત્નો છતાં પોતાનું અને પરિવારનું જીવનનિર્વાહ ચલાવી ન શકે ત્યારે માણસ પાસે કોઇ વિકલ્પ બચતો નથી. આખરે મજબુરી વશ તેને આપઘાત જેવું પગલું ભરવું પડે છે. પ્રાપ્ત ડેટા મુજબ, દેશભરમાં ગરીબીના કારણે વર્ષ 2019માં 1,122 લોકોએ આપઘાત કર્યા હતા. જ્યારે વર્ષ 2020માં 1901 લોકોએ મોતની ચાદર ઓઢી હતી. બેરોજગારીના કારણે વર્ષ 2019માં 2,851 અને વર્ષ 2020માં 3,548 લોકોએ જીવાદોરી ટૂંકાવી હતી. જેમાં 309 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પરીક્ષામાં નાપાસ થતાં 2744 વિદ્યાર્થીઓએ ગત વર્ષે આપઘાત કરય હતા. ગત વર્ષ 2020માં આંકડો 2080 નોંધાયો હતો.
દેશના મોટા શહેરોની વાત કરીએ તો વર્ષ 2020માં સૌથી વધુ આત્મહત્યાની ઘટનાઓ દિલ્હી શહેરમાં બની હતી. જ્યાં 3,025 લોકોએ જીવન લીલા સંકેલી લીધી હતી. જે બાદ ચેન્નાઈમાં 2,430, બેંગલોરમાં 2,196, મુંબઈમાં 1,282 વ્યક્તિઓને આપઘાત કર્યા હતા. ત્યારબાદ અમદાવાદ અને ડાયમંડ સિટી સુરતનો નંબર આવે છે. મેટ્રો સિટી અમદાવાદમાં 871 અને સુરતમાં 869 લોકોએ અંતિમ પગલું ભરી ફાની દુનિયાને અલવીદા કરી હતી. અમદાવાદની સરખામણીએ સુરતમાં આત્મહત્યાનો ગ્રાફ ઉંચો છે. જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો અહીં 270 અને રાજકોટમાં 433 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી.
છૂટાછેડા અને અલગ રહેવાના મુદ્દે 70ની આત્મહત્યા
છૂટાછેડાના કેસ તથા પતિ – પત્ની વચ્ચે અલગ રહેવાના મુદ્દે ખટરાગને કારણે વર્ષ 2020માં 70 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. જેમાં 53 પુરુષ અને 19 સ્ત્રીઓ હતી. જ્યારે આ ઈસ્યુના કારણે તમીલનાડુમાં સૌથી વધુ 400 સ્ત્રી – પુરુષોએ જીવન લીલી સંકેલી લીધી હતી. નોંધનીય છે કે, અરૂણાચલ, હરિયાણા, મણીપુર, મેઘાલય, ચંદીગઢ, જમ્મુ – કાશ્મીર, લદાખ, પુડુચેરી અને લક્ષદ્વીપ, સિક્કીમ અને ઉત્તરાખંડમાં ડિવોર્સના મુદ્દે એકેય વ્યક્તિએ આપઘાત કર્યો નથી.
HBN TV NEWS