કોઈ જ એડિક્ટ નથી તો કોકેન, એમડી, એલએસડી ડ્રગ્સનું વેચાણ તો હજુ ઠેકઠેકાણે ચાલુ જ છે
56 દિવસમાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડયાનો દાવો, પણ કોકેન તો પકડયું જ નથી
સલાયા-ખંભાળિયાથી 350 કરોડનું ડ્રગ્સ પકડાયું તે નિમિત્તે બુધવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવો દાવો કરેલો કે માત્ર પંચાવન દિવસમાં જ સરકારે પાંચ હજાર કિલો કરતાં ય વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. પરંતુ ગૃહમંત્રીએ એ હકીકતની બહુ જ સિફતપુર્વક બાદબાકી કરી દીધેલી કે આ જ સમયગાળામાં તેમની પોલીસ ગુજરાતમાં કોકેન સહિતના ડ્રગ્સનું વેચાણ કરનારા એકપણ પેડલર્સને પકડી શકી નથી. વાસ્તવિકતા એ છે કે, સંદેશ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન થયેલા તેમાં અમદાવાદમાં જ કોકેન છૂટથી વેચાતું હોવાનો ઘટસ્ફોટ થયેલો છે.
આ ઉપરાંત, ચાલુ વર્ષે રાજ્યના ચાર મહાનગરોમાં એમડી, કોકેન અને હલુસિનોજેન્સ પ્રકારના ડ્રગ્સનું બેફામ વેચાણ થતું હોવાનો પણ તેમાં પર્દાફાશ થયો હતો. વળી, સરકારે એઈમ્સના 2019ના સર્વેના આધારે રાજ્યસભામાં એવો દાવો કરેલો કે રાજ્યમાં એમડી, કોકેઈન અને હલુસિનોજેન્સ પ્રકારના ડ્રગ્સનો એક પણ વ્યસની નથી. સરકાર કોકેન કે ડ્રગ્સના પેડલર્સ પકડી શકતી નથી, ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે તો રાજ્યમાં ડ્રગ્સના એકપણ બંધાણી ન હોય તેવું કેવી રીતે બની શકે તે પેચીદો સવાલ ગૃહમંત્રી સમક્ષ ઉભો થયો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો કે, તેઓએ જવાબદારી સંભાળ્યા બાદ ગત તા.16-9-2021 થી 10-11-2021ના 56 દિવસના સમયગાળા દરમિયાન ગાંજો, અફીણ, ચરસ, હેરોઈન, બ્રાઉનસુગર અને અન્ય સિન્થેટીક ડ્રગ્સ સંદર્ભે 58 કેસ કરીને 90 આરોપીઓની ધરપકડ કરી 245.15 કરોડનો 5756.614 કિ.ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સંદેશના સ્ટિંગ ઓપરેશનમાં અમદાવાદ શહેરમાં કોકેન વેચાતું હોવાનો પર્દાફાશ થયા હતો. જો કે, આ 56 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસ કોકેઈન ના પકડી શકી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંદેશના સ્ટિંગમાં કોકેન વેચતા કેદ થયેલા પેડલર સામે પણ પોલીસે રહસ્યમય રીતે કોઈ કાર્યવાહી કરી ન હતી. આમ, 2021માં થયેલા ઘટસ્ફોટમાં ગુજરાતના ચાર મહાનગરોમાં ડ્રગ્સનું બેફામ વેચાણ તેમાં પણ એમડી, એલએસડી, કોકેઈન, મલાના ક્રીમ ચરસ જેવા ડ્રગ્સનું દુષણ ફુલ્યું ફાલ્યાનો ઘટસ્ફોટ થયો હતો. જો કે, રાજ્યસભામાં 2019નો સર્વ ચાલુ વર્ષે રજૂ કરી ગુજરાતમાં એમડી, કોકેઈન અને હલુસિનોજેન્સ (ભ્રમણા પેદા કરતા) ડ્રગ્સનો એક પણ વ્યસની ન હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સના વ્યસની ન હોય તો એમડી, કોકેઈન અને હલુસિનોજેન્સ પ્રકારના ડ્રગ્સનું વેચાણ જ સાબીત કરે છે કે, રાજ્યમાં આ ડ્રગ્સના બંધાણીઓ છે.