તા. 15 ડિસેમ્બર સુધી હોટલના રૂમ 70 ટકા પેક
બેન્ડ-ડીજે બે વર્ષે ધમધમ્યાઃ14 ડિસેમ્બર સુધીના ઓર્ડર બુક
દિવાળી બાદ લગ્નની સિઝન શરુ થતાં હવે હોટલ, બેન્ડ-ડીજે અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓના ત્યાં બુકિંગ ફુલ થઇ ગયા છે. કોરોનાકાળના લીધે છેલ્લા બે વર્ષથી લોકો લગ્ન કે શુભ પ્રસંગો ધુમધામથી ઉજવી શક્યા નહતા. પરંતુ આ વર્ષે છુટછાટ મળી હોવાથી લગ્નની સિઝનમાં લોકો હર્ષભેર પ્રસંગો ઉજવવા માટે થનગની રહ્યા છે. ત્યારે હોટલ સહિતના લગ્ન સિઝનને લગતાં ધંધા રોજગારોમાં આ વખતે રોનક જોવા મળી રહી છે. હોટલ અને રેસ્ટોરેન્ટનો ધંધો ખુલ્યો છે. જ્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં ફેબ્રુઆરી સુધીના બુકિંગ ફુલ થયા છે. ઉપરાંત હોટલના રુમ પણ પેક થઇ ગયા છે. જ્યારે બેન્ડ-ડીજે ધારકોને પણ એક મહિના સુધીના ઓર્ડર મળ્યાં છે. એટલે લગ્નની સિઝન શરુ થતાં હોટલ સહિતના બિઝનેસમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
તા. 15 ડિસેમ્બર સુધી હોટલના રૂમ 70 ટકા પેક
હોટલના રૂમમાં થયેલા બુકિંગ અંગે ફુડ એન્ટરપ્રિન્યોર્સ એલાયન્સના કો-ફાઉન્ડર દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ લગ્નની સિઝન ખુલતાં તા.15 નવેમ્બરથી આગામી તા.15 ડિસેમ્બર 2021 સુધી તમામ હોટલોમાં બુકિંગો શરૂ થઈ ગયા છે. અગાઉ હોટલના રૂમનું 20 ટકા જેટલા બુકિંગ થતું હતું, હોટલ રુમનું 60 થી 70 ટકા બુકિંગ થવા લાગ્યું છે. ઉપરાંત ઠંડીમાં ફરવા આવતા એનઆરઆઇ અને જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીને લઇને વિદેશી અગ્રણીઓની અવરજવરથી પણ હોટલના બુકિંગમાં વધારો થયો છે.
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઇ પ્રસંગ કરી શક્યા ન હોવાથી હવે લોકો લગ્ન, સગાઇ, એનિવર્સરી અને બર્થ-ડે પાર્ટી જેવા શુભ પ્રસંગો કરવા બહાર નીકળી રહ્યા છે. તેના લીધે હાલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનો વેપાર ખુલ્યો છે. એટલે આગામી ફેબ્રુઆરી મહિના સુધી મોટાભાગની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં બુકિંગ ફુલ થઇ ગયા છે. તેના પરથી કહી શકાય કે આ સિઝન સારી રહે તેવી પુરેપુરી આશા છે. એમ ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ રવાણીએ જણાવ્યું હતું.
બેન્ડ-ડીજે બે વર્ષે ધમધમ્યાઃ14 ડિસેમ્બર સુધીના ઓર્ડર બુક
નવેમ્બર માસમાં લગ્નની સિઝન શરુ થતાં જ હવે બેન્ડ અને ડીજે ધારકોના ધંધા પણ ધમધમવા લાગ્યા છે. બે વર્ષથી ધંધા રોજગાર ઠપ્પ હતાં પરંતુ હાલ લોકો લગ્ન કરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. તા.14 નવેમ્બર થી તા.14 ડિસેમ્બર સુધી બેન્ડ-ડિજેના બુકિંગ થઇ ગયા છે. ઘણાં લોકો અંતિમ સમયે બુકિંગ કરાવી રહ્યા છે. કોરોના પહેલા લોકો બે-બે મહિના પહેલા બુકિંગ કરાવતા હતા. એમ અસારવા બેન્ડ એન્ડ ડીજે એસોસિએસનના સભ્ય ફિરોજ શેખે જણાવ્યું હતું.
લગ્નની સિઝનના લીધે હોટલ અને રેસ્ટોરેન્ટના ધંધાની ક્ષમતા વધી
લગ્નની સિઝન ખુલી હોવાથી હાલ બુકિંગ થઇ રહ્યા છે. અગાઉ જે ધંધો ઠપ્પ થઇ ગયો હતો. તે હાલ 70 ટકા જેટલો ખુલી ગયો છે. તેના લીધે હાલતો હોટલ અને રેસ્ટોરેન્ટના માલિકોમાં ખુશી છે. એમ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું હતુ.