સમાજને કલંકિત કરતો કિસ્સો:રાજકોટમાં 11 વર્ષની કિશોરીને દત્તક લઈ પાલક પિતા અને કારખાનેદારે અવારનવાર દુષ્કર્મ આચર્યું, કારખાનાની ઓરડીમાં દેહ પીંખતા
રાજકોટમાં સમાજને કલંકિત કરતો પાલક પિતા જ હેવાન બન્યો હોવાની ઘટના સામે આવી છે. તાલાલાના ચિત્રાવડ ગામે રહેતી માતાએ રાજકોટ એરપોર્ટમાં 11 વર્ષની પોતાની દીકરી પર પાલક પિતા અલી સમેજા અને કારખાનેદાર કૌશિક લોહાણાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દત્તક લીધેલી પુત્રી પર પાલક પિતા અને કારખાનેદારે કારખાનાની ઓરડી અને ઓફિસમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે. આ અંગે એરપોર્ટ પોલીસે પાલક પિતા અને કારખાનેદાર વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની શોધખોળ હાથ ધરી છે.
*પોલીસે અલી, તેની પત્ની અને કૌશિક લોહાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો
સગીરાની માતાની ફરિયાદ પરથી મૂળ મેંદરડાના મોટી ખોડિયાર ગામનો અને હાલ રાજકોટના નવાગામ બામણબોર ખાતે રહેતો અલી અલ્લારખા સમેજા, તેની પત્ની આશુ સમેજા અને નવાગામ બામણબોરમાં રહેતો કારખાનેદાર કૌશિક લોહાણા વિરુદ્ધ IPC કલમ 376 એ (બી), 354 (ક), 506 (2), 114 તથા પોક્સો એક્ટ કલમ 4, 6, 8, 10 મુજબ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
*કારખાનાની ઓરડી અને ઓફિસમાં દુષ્કર્મ આચરતા
માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કૌશિક લોહાણા એરપોર્ટ પોલીસ સ્ટેશનથી 3 કિમી દૂર નવાગામ બામણબોર ગામમાં આકાશ પોલિમર્સ નામથી કારખાનું ચલાવે છે. મારી દીકરીને અલી સમેજાએ દત્તક લીધી હતી. આથી અલી સમેજા કૌશિક લોહાણા સાથે મળી મારી દીકરી પર કારખાનાની ઓરડી અને ઓફિસમાં અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. કૌશિક લોહાણા પણ દીકરીનો દેહ પીંખતો હતો.
*અલી સમેજાની પત્ની જ મદદગાર નીકળી
આ બન્ને આરોપીને અલી સમેજાની પત્ની આશુ સમેજા મદદ કરતી હતી. આશુ મારી દીકરીને દુષ્કર્મ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી માખીશુ એવી ધમકી આપતી હતી. આથી ગભરાયેલી દીકરીએ કોઈને જાણ કરી નહોતી. બાદમાં દીકરી પર દુષ્કર્મ આચરાય રહ્યું હોવાની જાણ થતાં જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ એરપોર્ટ પોલીસે ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
*દીકરીએ રડતાં રડતાં આખી ઘટના માતાને કહી
બામણબોર નવાગામ રહેવા ગયા બાદ મારી દીકરી અવારનવાર અમારી ઘરે આવતી હતી અને ફરીથી પાલક માતા-પિતા અલી અને આશુ સાથે જવાની ના પાડતી હતી. આજથી દોઢેક વર્ષ પહેલાં એક લગ્ન પ્રસંગમાં અલી તેની પત્ની આશુ અને મારી દીકરી આવ્યાં હતાં. ત્યારે મારી દીકરી થોડા દિવસ અમારી સાથે રહી હતી. એ પછી તે અલી અને આશુના ઘરે જવા ઇચ્છતી નહોતી. ગત ઇદના તહેવારમાં પણ મારી દીકરીએ પાલક માતા આશુ સાથે વાત કરી હતી અને ત્યાં પોતે નહીં જાય એમ કહ્યું હતું. ત્યાર બાદ 11 જુલાઈના રોજ મારી દીકરીને તેના પાલક માતા-પિતા પાસે મોકલવાની મારા પતિએ વાત કરતાં તે રડવા માંડી હતી અને કહેવા માંડી હતી કે ત્યાં મારે જવું જ નથી, આશુએ જ્યારે એક સંતાનને જન્મ આપ્યો ત્યારથી પાલક પિતા અલીએ મારી સાથે અત્યંત ખરાબ અડપલાં ચાલુ કર્યાં હતાં. એક વખત તેણે મારી સાથે બળજબરી કરી મારું મોઢું દાબી રાખી આખા શરીરે અડપલાં કર્યાં હતાં.
*પાલક માતા આશુએ મારી નાખવાની ધમકી આપી હતી
આવું વારંવાર કરવા માંડ્યા હતા અને ઘણીવાર આવું ખરાબ ખરાબ કર્યું છે. થોડા દિવસ પછી કારખાનાવાળા કૌશિકની ઓફિસમાં હું બપોરે ટિફિન દેવા જતાં તેણે મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો તેમજ થોડા દિવસ પછી ફરીથી કૌશિકે મારી સાથે અલીની જેમ જ દુષ્કર્મ આચરવા લાગ્યો હતો અને મોઢું દબાવી દેતો હતો. મેં આ વાત પાલક મા આશુબેનને કરતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો અને કોઇને વાત કરતી નહિ, નહીંતર મારી નાખીશું એવી ધમકી આપી હતી. આ કારણે મારે હવે ફરીથી અલી અને આશુ પાસે જવું નથી.
*આગળની તપાસ મહિલા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે
આ વાત બાળાએ રડતાં રડતાં પોતાનાં માતા-પિતાને કરી હતી. એ પછી પિતા બહારગામ ગયા હોઇ 21 જુલાઈએ પરત આવી ગીર પંથકના એક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યા બાદ રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. PI વી.આર. રાઠોડ, અંશુમનભા ગઢવી સહિતે ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદ પરથી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી છે. આગળની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના PI કે. જે. મકવાણા અને ટીમે હાથ ધરી છે. આ બનાવે ચકચાર મચાવી દીધી છે.
અહેવાલ – ઈલા મારૂ