વિરપુરમાં પીઠડીયા ટોલ પ્લાઝા પર પાણી વેંચવા બાબતે એક ફેરીયાએ લોખંડની પ્લેટ ફટકારીને બીજાનો સોથ વાળી દીધો, CCTV
* ઈજાગ્રસ્ત ફેરિયો રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ, વીરપુર પોલીસે આરોપીની ધરપકડ કરી
વિરપુર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝાએ પાણી વેંચવા જેવી સામાન્ય બાબતે બે ફેરીયાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને પગલે એક ફેરીયાએ બીજા ફેરીયા પર લોખંડની પ્લેટ વડે ઘાતકી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ હુમલાનો બનાવ ટોલ પ્લાઝાના CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.
*એકાદ મહિના પૂર્વે માથાકૂટ થઈ હતી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિરપુરમાં પીઠડીયા ટોલ પ્લાઝાએ ટોલ ભરવા માટે વાહનો ઉભા રહે તે દરમિયાન મુસાફરોને પાણી, વેફર્સ વગેરેનું દસથી બાર ફેરીયાઓ દ્વારા વેંચાણ કરવામાં આવે છે. જેમાં પપ્પુભાઈ બારૈયા નામના ફેરીયાને એકાદ મહિના પૂર્વે ગૌરીબેન ભરતભાઇ કોળી નામની મહિલા સાથે પાણીની બોટલ વેંચવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ બંને આ માથાકૂટને ભૂલી ટોલ પ્લાઝાએ પોતાનો વ્યવસાય કરવા લાગ્યાં હતાં.
*માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું
ગત 28 જુનના રોજ પપ્પુભાઈ ટોલ પ્લાઝાએ ફેરી કરતા હતાં ત્યારે ગૌરીબેનનો પુત્ર અર્જુન ત્યાં આવીને પોતાની પાસે રહેલ લોખંડની વજનદાર પ્લેટ માથામાં મારતા પપ્પુભાઈ ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમ છતાં અર્જુને હુમલો ચાલુ જ રાખતા પપ્પુભાઈ ગંભીર ઇજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું. આ નિહાળી ટોલ પ્લાઝાએ અન્ય ફેરીયાઓ દોડીને આવીને અર્જુન ત્યાંથી નાસી ગયો હતો. આ બાજુ ગંભીર હાલતમાં પપ્પુભાઈને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખસેડતા ત્યાં પ્રાથમિક સારવાર આપી માથામાં હેમરેજ થઇ ગયું હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં.
*પોલીસે અર્જુનની ધરપકડ કરી
આ સમગ્ર બનાવ ટોલ પ્લાઝાના CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ ફૂટેજનો વીડિયો વાયરલ થતાં આજે વીરપુર પોલીસે રાજકોટ સરકારી હોસ્પીટલ જઈ પપ્પુભાઈની પત્ની મૈશ્રીબેનની ફરીયાદ પરથી અર્જુન સામે આઈપીસીની કલમ 323, 325 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુન્હો નોંધી અર્જુનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ – ઈલા મારૂ