શહેરના પોશ ગણાતા એવા સિંધુભવન રોડ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. સામાન્ય માણસ તો ઠીક પરંતુ હવે પોલીસ પર પણ હુમલો કરતા અસામાજીક તત્વો ખચકાતા નથી. સિંધુભવન રોડ ઉપર બે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં બેઠેલા નબીરાઓએ પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા. જેના કારણે તેમનો પીછો કરી કારને થોડેક દૂરથી પોલીસે પકડી પાડી હતી. એટલુ જ નહી ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે કાર ચાલક કુણાલ નામનો શખ્સ સહિતના પાંચ શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે બોડકદેવ પોલીસે હત્યાનો પ્રયાસ અને પોલીસની ચાલુ નોકરીમાં ફરજ પર રૃકાવટનો ગુનો નોંધીને પોલીસે ફરાર પાંચ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી છે. નોંધનિય છે કે થોડા સમય પહેલા સિંધુ ભવન રોડ ઉપર પુર ઝડપે જોખમી રીતે વૈભવી કારો ચલાવીને લોકોના જીવને જોખમમાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. તેમની જે તે વખતે પોલીસે ધરપકડ કરી લીધી હતી.
શહેરના સિંધુભવન રોડ પર ગુરુવારે સવારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક વર્ના કાર ત્યાંથી પચાર થઈ રહી હતી. જેની સ્પીડ વધારે લાગતા પોલીસે આ કારને રોકાવી હતી. ત્યારે કારમાં છ જેટલા અસામાજીક તત્વો બેઠા હતા. કાર રોકતાં માથાભારે શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં કારના ચાલકે તેની કાર પોલીસ કર્મચારીઓ પર ચડાવી દીધી હતી. જે બાદ ત્યાંથી કાર હંકારી ભાગી છુટ્યા હતા. જેથી પોલીસને શંકા જતા તેની પીછો કર્યો હતો. આગળ જતાં કાર રાજપથ ક્લબ તરફ વળી હતી. થોડી જ વારમાં પોલીસે તેનો પીછો કરી અને કારને ઝડપી પાડી હતી. કારમાંથી એક પછી એક શખ્સો ઉતરીને ભાગી ગયા હતા. જ્યારે એક શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. 23થી 24 વર્ષના આ યુવાનોએ પોલીસને માર મારી અને તેના પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેમને પકડવા માટે પોલીસે પ્રયાસો શરૂ કરી દીધા છે
આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પી. આઇ. અભિષેક ધવને જણાવ્યું હતું કે, અમે અમારા પોલીસ કર્મચારી પર થયેલા હુમલા અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વાહન ચેકિંગ દરમિયાન થયેલો ઝઘડો હુમલા સુધી પહોંચ્યો અને તેમાં આરોપીઓ ભાગી ગયા છે. એક આરોપીને પકડી લીધો છે તેમજ અન્ય આરોપીઓ પણ ટુંક જ સમયમાં દબોચી લઇશુ.