કોલવડાની પરિણીતાનાં લવ જેહાદ કેસમાં આરોપીની વચગાળાની જામીન અરજી ગાંધીનગર કોર્ટે ફગાવી

Views 51

ગાંધીનગરનાં કોલવડાની પરિણીતાને લલચાવી ફોસલાવી છૂટાછેડા લેવડાવી શારીરિક શોષણ અને ધર્મપરિવર્તન માટે બળજબરી કરવાના કેસમાં મુખ્ય આરોપીએ દીકરાની બોર્ડની પરીક્ષાનું કારણ આગળ ધરીને વચગાળાના જામીન મેળવવા માટે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેનાં પગલે ગુનાની ગંભીરતા જોતાં કોર્ટે આરોપીની અરજી ફગાવી દેવામાં આવી છે.

ગાંધીનગરની પરિણીતાનો વિશ્વાસ કેળવીને અમદાવાદના જુહાપુરા ખાતે રહેતા ઈસ્માઈલખાન બાદરખાન મલેકે પ્રેમસંબંધ બાંધ્યો હતો. પતિ સાથે છૂટાછેડા લેવડાવી આરોપીએ પીડિતાને બળજબરીથી પોતાની સાથે રહેવા ફરજ પાડી હતી. ઈસ્માઈલે પીડિતાને પોતાના મિત્રો અમજદખાન, શાહરૂખખાન, બાબાખાન, ભાઈ મુસ્તુફા બાદરખાન મલેક તેમ જ ભાણા સોહિલે પીડિતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા વારંવાર દબાણ કર્યું હતું.

જ્યારે તેણે ત્રણ લગ્ન કર્યા હોવાની હકીકત છુપાવીને 17-10-2020ના રોજ મૌલવીની હાજરીમાં પીડિતા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ધર્મપરિવર્તન માટે દબાણ કરવાની સાથે આરોપીઓએ પીડિતાના ભાઈ, બહેન-બનેવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. વારંવારના અત્યાચારોથી ત્રાસીને પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આખરે હિંમત બતાવીને પીડતાએ પેથાપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની તપાસમાં પોલીસે 16 જાન્યુઆરી, 2023ના રોજ આરોપી ઈસ્માઈલખાનની ધરપકડ કરી ગાંધીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપીએ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન પર છૂટવા અરજી કરી હતી. કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી. બાદમાં આરોપીએ દીકરાને ધોરણ-10ની બોર્ડની પરીક્ષા હોઈ તેને પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા-લઈ જવા માટે 5 દિવસના વચગાલાના જામીન મેળવવા ગાંધીનગર સેશન્સ કોટમાં અરજી કરી હતી.

જે કેસમાં મુખ્ય સરકારી વકીલ હિતેશ એન. રાવલ અને ફરિયાદીના વકીલ ધવલ એ. મહેતાએ આરોપીને જામીન નહીં આપવા માટે દલીલ કરતાં જણાવ્યું હતું કે, અગાઉ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરેલી છે. દીકરાને પરીક્ષા કેન્દ્ર સુધી લેવા-મૂકવા માટે પિતા-ભાઈ સહિતના અન્ય સભ્યો હાજર છે, તેથી આરોપીની હાજરીની આવશ્યકતા નથી.

તેમજ લવ જેહાદના આ સંવેદનશીલ કેસની તપાસમાં આરોપી વિરુદ્ધ પુરાવા મેળવવામાં આવ્યા છે. આરોપી માથાભારે, ઝનૂની અને ઊંચી વગવાળી વ્યક્તિ છે. તે રિવોલ્વર રાખે છે અને અગાઉ પીડિતાને રિવોલ્વરની છ એ છ ગોળી ધરબી જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. કેસ હજુ નાજુક તબક્કામાં છે અને અન્ય આરોપીઓને પકડવાના હજુ બાકી છે.આરોપીને જામીન પર છોડવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાનું અને સાક્ષી-ફરિયાદીના જીવનું જોખમ ઊભું થઈ શકે છે.વધુમાં દલીલ કરાઈ હતી કે આવા સંવેદનશીલ કેસમાં આરોપીને જામીન અપાય તો સમાજમાં અવળી અસર પડશે. આરોપી પોતાનો સ્વતંત્રતાનો દુરુપયોગ કરી ટ્રાયલ દરમિયાન સહેલાઈથી મલી આવે તેમ નથી. ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.ડી. મહેતાએ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને વચગાળાના જામીન આપવાની અરજી નામંજૂર કરી હતી.ઉલ્લેખનીય છે કે, પેથાપુર પોલીસ મથકમાં પીડિતાની ફરિયાદ નોંધાયા બાદ તેના બનાવટી સોગંદનામાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીને બદનામ કરવા માટે સુનિયોજિત ષડયંત્ર ઘડવામાં આવ્યુ હતું અને પીડિતાના સોગંદનામા સાથે ચેડાં થયા હતા. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણીની આશંકા સાથે પોલીસ તપાસ ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *