GJ 08 CC 2902 નંબરની કારના રજિસ્ટેશનમાં ડીસાના કંસારી ગામનું સરનામું કારના માલિક અને બસના માલિકના મોબાઈલ નંબર પણ એક હોવાની શક્યતા
રાજસ્થાનના ઉદયપુરમાં થયેલા પેપરલીક કાંડનો રેલો બનાસકાંઠા સુધી પહોંચી શકે છે. પેપર લીકકાંડમાં જે બસમાં 45 જેટલા ઉમેદવારો તેમજ પેપરલીક કાંડના એક્સપર્ટ લોકો હતા, તેને એક ક્રેટા ગાડી એસ્કોર્ટ કરી રહી હતી. તે ગાડીનું રજીસ્ટ્રેશન બનાસકાંઠા આરટીઓમાં થયેલ છે. જો કે, આ મામલે જે ગામનું સરનામું બતાવ્યું છે તે ગામના સરપંચ પણ આવી કોઇ વ્યક્તિને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.
કંસારી ગામના સરનામા પર ગાડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું
બસમાં 45 ઉમેદવારો તેમજ પેપરલીક કાંડના એક્સપર્ટ લોકો હતા, તેને એક ક્રેટા ગાડી એસ્કોર્ટ કરી રહી હતી. જેના માલિકનું નામ સુરેશ બીસનોઈ છે અને તેણે બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામના સરનામા પર ગાડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે આ મામલે ગામમાં તપાસ કરતા ગામના સરપંચ કે ડેપ્યુટી સરપંચ આવી કોઈ જ વ્યક્તિને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.
ગામના સરપંચ પતિ ઠાકરભાઈ દેવડા અને ડેપ્યુટી સરપંચ ખેંગારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ આવી કોઈ જ વ્યક્તિને ઓળખતા નથી, તેમજ આવી ગાડી પણ ક્યારેય જોઈ નથી એટલે ખોટા ડોક્યુમેન્ટ પર ગાડી રજીસ્ટ્રેશન કરાવી હોય તેવું પણ ગામમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉમેદવારો સાથે બેઠેલા એક્સપર્ટએ પ્રશ્નપત્રને સોલ્વ કર્યું
બનાસકાંઠા આરટીઓમાં તપાસ કરતાં એસ્કોર્ટ કરી રહેલી કારના માલિકનું નામ ગણપતલાલ બિશ્નોઇ હોવાનું સામે આવ્યું છે. આ ગાડીમાં જ પેપરલીક કાંડનો માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ બેઠો હતો અને તે ગાડીમાં એક પ્રિન્ટર અને લેપટોપ હતું. સુરેશ બિશ્નોઇ પાસે વોટ્સએપથી પેપર આવ્યું હતું. જેને લેપટોપની મદદથી પ્રિન્ટ કાઢી અને બસમાં પહોચાડ્યું હતું. જે બાદ ઉદેપુર પિંડવાડા હાઇવે ઉપર ચાલુ બસમાં જ ઉમેદવારો સાથે બેઠેલા એક્સપર્ટએ પ્રશ્નપત્રને સોલ્વ કર્યું હતું.
શું છે પરીક્ષા કાંડનો આખો મામલો?
પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે 23 ડિસેમ્બરે તમામ ઉમેદવારોને ઉદયપુર બોલાવવામાં આવ્યા હતા. રાતભર ત્યાં બેસીને પેપર સોલ્વ કર્યું. સવારે તમામ લોકોને બસમાં બેસાડીને જાલોર જવા રવાના થયા હતા. આ બસમાં નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.પેપર સોલ્વિંગ અને પ્રેક્ટિસ માટે બસમાં ત્રણ લોકોને બેસાડવામાં આવ્યા હતા. તમામ લોકોને સરળતાથી અવાજ મળી શકે તે માટે બસમાં સ્પીકર પણ લગાવવામાં આવ્યા હતા બસમાં પેપર સોલ્વની તૈયારી ચાલી રહી હતી.
બસની બહારથી કેટલાક લોકોને તેના પર શંકા ગઈ. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બસનો પીછો શરૂ કર્યો હતો. તો ખબર પડી કે મુખ્ય આરોપી સુરેશ વિશ્નોઈનું વાહન બસની પાછળ હંકારી રહ્યો હતો.ઉદયપુરથી સિરોહી આવતી વખતે રસ્તામાં સિરોહીમાં એક ચાની દુકાન પર બસ ઉભી રહે છે.
અહીં એક સાથે 40 ચાનો ઓર્ડર આપવામાં આવે છે. તે સમયે પોલીસ પણ સાદા યુનિફોર્મમાં હાજર હતી. પોલીસને પુષ્ટિ મળી છે કે આ તમામ 40 લોકો એક જ ટીમમાં છે, ત્યારે જ એકસાથે 40 ચાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અહીં પોલીસે બસમાં એસ્કોર્ટ કરી રહેલા મુખ્ય આરોપીને પકડી લીધો હતો. તેથી તેણે આખું રહસ્ય ખુલ્યું.