ભૂવાએ ભેંસ ખરીદી, પણ પૈસા ન આપ્યા:પરિવાર રૂપિયા માગવા ગયો તો કહ્યું- મેં તમારા પર વિધિ કરી છે; ડરાવીને વધારાના 62 હજાર પડાવ્યા

Views 127

ગાંધીનગરના એક ગામના પશુપાલકે વેચેલી ભેંસનાં પૈસાની તકરારમાં એક ભૂવાએ સમગ્ર પરિવારને અંધશ્રદ્ધામાં ફસાવી માતા મુક્યાનો ડર બતાવીને તાંત્રિક વિધિ કરીને 62 હજાર રોકડા તેમજ સોનાના પગરખાં લઈને છેતરપિંડી આચરી રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં ભૂવાએ પશુ પાલકનાં ઘરે જઈને કરેલી તાંત્રિક વિધિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવતાં પોલીસ મથકમાં લેખિતમાં છેતરપિંડી થયાની રજૂઆત કરવામાં આવી છે.

ભુવો ભેંસના રુપિયા નહોતો આપતો
ગાંધીનગરના એક ગામમાં સંયુક્ત કુટુંબમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારમાં થોડા સમય પહેલા એક ભાઈએ તેમની ભેંસ અન્ય ગામના ભુવાને 60 હજારમાં વેચી હતી. જોકે, ભેંસના પૈસા ભૂવો આપતો ન હોવાથી ભેંસ વેચનાર ભાઈએ પૈસાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ભુવાએ તમારે ત્યાંથી લઈ ગયેલી ભેંસ મરી ગઈ છે. હવે શાના પૈસા આપવાના હોય તેવો જવાબ આપ્યો હતો.

પરિવારે પૈસા માંગ્યા તો માતા મૂકી હોવાની ધમકી આપી
બાદમાં આ ભુવો પરિવારના ગામમાં આવીને ખરીદેલી ભેંસ મરી ગઈ હોવાનું અને તેના પૈસા માટે પરિવાર ફોન ઉપર ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ કરી પરિવાર પર માતા મૂકી હોવાની વાત ગામમાં કરી હતી. આ વાત પરિવારના ધ્યાને આવતા તેમણે ભુવાને ફોન કરીને વાતનો અંત લાવવા સમજાવતા ભુવાએ “મારી માતા પાછી વાળવી હોય તો તમારે દંડ આપવો પડશે” અને દંડના સ્વરૃપમાં 51 હજાર રૃપિયા રોકડા તેમજ સોનાનું જુતું આપવું પડશે, તોજ મારી માતા પાછી લઈ જઈશ તેવી વાત કરી હતી. જો તમે મારી આ શરતો નહીં માનો તો પરિવારમાં કોઈપણ એક વ્યક્તિનો જીવ જશે તેવી બીક બતાવી હતી. ભુવાની આ વાત સાંભળી પરિવાર અંધશ્રદ્ધાના નામે ખૂબ જ ડરી ગયો હતો. તેઓએ ભુવાને ફોન ઉપર તારું જે થતું હોય તે લઈ જા અને તારી બધી શરતો અમે માનીએ છીએ પણ અમારા પરિવારને આ વિષયમાંથી મુક્ત કર તેમ કહ્યું હતું.

તાંત્રિક વિધિના નામે 62 હજાર રોકડા સેરવી લીધા
આમ પરિવાર અંધશ્રદ્ધાના નામે ડરી જતા એક મહિના પછી ભુવો તેના સાગરીતોને લઈને પરિવારના ગામે આવ્યો હતો અને ત્યાં બળજબરીપૂર્વક ઘરમાં બેસીને તાંત્રિક વિધિના નામે 62 હજાર રોકડા સેરવી લીધા હતા. માતા પાછા વાળવાના 51 હજાર અને સોનાના જુત્તા પેટે 11 હજાર આપ્યા બાદ પણ અંધશ્રદ્ધાના પ્રયોગો કરીને ભુવાએ પરિવારને ડરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. ભૂવાએ ઘરમાં કરેલી સમગ્ર તાંત્રિક વિધિનો વીડિયો તેના સાગરીતોએ ઉતાર્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પરિવાર રોષે ભરાયો
થોડા દિવસો પછી તાંત્રિક વિધિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પરિવાર રોષે ભરાયો હતો અને સોશિયલ મીડિયા પર વીડિયો કેમ વાયરલ કર્યો તેમ કહી ભુવાને આડે હાથ લીધો હતો. અંધશ્રદ્ધાના નામે ભય ફેલાવતો અને પૈસા પડાવતા ભૂવાને પાઠ ભણાવવા માટે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ભુવા વિરૃદ્ધ અરજી કરવામાં આવી છે.હાલમાં આ અરજીની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *